ગુજરાતી ફિલ્મના બિગ-બી કહેવાતા નરેશ કનોડિયાનું નિધન, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક યુગનો અંત

admin
1 Min Read

ગુજરાતી ફિલ્મ જગતનો વધુ એક સિતારો ખર્યો છે. ગુજરાતી ફિલ્મ જગતના અમિતાભ બચ્ચન કહેવાતા અભિનેતા નરેશ કનોડિયાનું નિધન થયુ છે. કોરોનાગ્રસ્ત થયેલા આ દિગ્ગજ કલાકાર અમદાવાદની યુ.એન.મેહતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાજુક હતી. તેઓ સતત વેન્ટિલેટર પર હતા.

તેમના ભાઈ મહેશ કનોડિયાના નિધનના બે દિવસ બાદ નરેશ કનોડિયાના નિધનથી કનોડિયા પરિવાર પર આભ તૂટી પડ્યુ છે.  નરેશ કનોડિયાના નિધનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને તો મોટી ખોટ પડી જ છે પરંતુ તેમના લાખો ચાહકોમાં પણ શોકનું મોજુ ફરી વળ્યુ છે. ગુજરાતી ફિલ્મ જગતમાં કનોડિયા ભાઈઓનો સંઘર્ષ એકસરખો રહ્યો છે. પરંતુ નરેશ કનોડિયાએ 40 વર્ષ સુધી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પર રાજ કર્યુ છે. તેમના નિધન બાદ મોટો ખાડો પડ્યો છે.

નરેશ કનોડિયાની માસ અપીલ હતી. તેમની મોટી સિગ્નિફિકન્સ એ હતી કે, તેઓએ 125 ફિલ્મોમાં કામ કર્યું. તેમજ 72 હિરોઈન સાથે લીડ રોલ કર્યો છે. નવી અભિનેત્રીઓ માટે કામ કરવામાં તેઓ પ્રખ્યાત હતા.

ગુજરાતી ફિલ્મ જગતમાં જે સમયે ઉપેન્દ્ર ત્રિવેદીનું ગુજરાતી ફિલ્મોમાં એકચક્રી શાસન હતું અને તેમની કારકિર્દીનો અંત હતો, ત્યારે તે ખાલી જગ્યા નરેશ કનોડિયાએ સરળતાથી પૂરી દીધી. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને તેઓએ ધમધમતો રાખ્યો હતો. આ માટે જ તેઓ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અમિતાભ બચ્ચન કહેવાતા હતા.

Share This Article