નેશનલ: દેશમાં કોરોનાની સ્થિતિ: કોરોનાના 22 હજારથી વધારે નવા કેસ નોંધાયા

admin
2 Min Read

દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ઘટ્યા બાદ ફરીથી વધ્યા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 22,842 નવા કેસ અને 244 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 25,930 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 199 દિવસની નીચલી સપાટી 2,70,557 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 13,217 નવા કેસ નોંધાયા હતા અને 121 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

દેશમાં અત્યાર સુધીમાં 90,51,75,348 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,726 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 1,64,596 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 171 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 167 નાગરિકો સ્ટેબલ છે. 8,15,726 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી.

Share This Article