દુનિયાના અલગ અલગ ભાગમાં કોરોનાના દુર્લભ કેસ આવ્યા સામે, ગળા અને ફેફસાંની સાથે કોરોનાવાઈરસ મગજને કરે છે અસર

admin
5 Min Read

દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે,આ વાયરસના કહેરમાં સતત વધારો થઇ રહ્યો છે,અને આ બધાની વચ્ચે વિશ્વના ન્યુરોલોજીસ્ટો પુષ્ટિ કરી છે કે ગળા અને ફેફસાંની સાથે કોરોનાવાઈરસ હવે મગજને પણ અસર કરે છે.તેમનું કહેવું છે કે,કોરોનાથી પીડિત દર્દીઓમાંથી એક વર્ગ એવો પણ છે જેમાં સંક્રમણની અસર તેમના મગજ પર પડી રહી છે. નિષ્ણાતોએ તેને બ્રેઈન ડિસફંક્શન નામ આપ્યું છે. સંક્રમણની અસર દર્દીની બોલવાની ક્ષમતા પર પડી રહી છે અને મગજમાં સોજાને કારણે માથામાં દુખાવો વધી રહ્યો છે. આવા અનેક દુર્લભ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તે ઉપરાંત ગંધ સૂંઘવાની અને અલગ અલગ પ્રકારના સ્વાદ પારખવાની ક્ષમતા પણ ઘટી રહી છે.

દર્દીએ બોલવાની ક્ષમતા ગુમાવી દીધી


કોરોનાવાઈરસ મગજને પણ અસર કરે છે તેને માર્ચમાં સામે આવેલ એક કેસથી સમજી શકાય છે. 74 વર્ષીય કોરોના પીડિતને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ઉધરસ અને તાવની ફરિયાદ હતી પરંતુ એક્સ-રેથી ન્યુમોનિયાની વાત સામે આવી અને તેને ઘરે પરત મોકલી દેવામાં આવ્યો હતો. બીજા દિવસે તાવ વધી ગયો અને પરિવારના લોકો તેને ફરીથી હોસ્પિટલ લઈ ગયા. હવે શ્વાસ લેવામાં તકલીફ પણ શરૂ થઈ ગઈ હતી. સ્થિતિ એટલી ખરાબ હતી કે તે ડોક્ટરોને પોતાનું નામ પણ કહી શક્યો નહીં. તેણે બોલવાની ક્ષમતા પણ ગુમાવી દીધી હતી.

દર્દીને ફેફસાં સાથે જોડાયેલી ગંભીર બીમારી હતી, તે ઉપરાંત તે પાર્કિન્સનથી પણ પીડિત હતો. જેના કારણે હાથ અને પગને હલનચલન કરવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી. તે ઉપરાંત તેમાં મગજનો હુમલો થવાનું જોખમ પણ હતું. ડોક્ટરોને પહેલાથી કોરોનાવાઈરસના સંક્રમણની શંકા હતી અને બાદમાં તપાસમાં તેની પુષ્ટિ પણ થઈ હતી.

કોરોનાથી પીડિતને માથામાં દુખાવો, તપાસમાં મગજમાં સોજો હોવાનું સામે આવ્યું


બીજો કેસ મિશિગનના ડેટ્રોઇટમાં સામે આવ્યો હતો. લગભગ 50 વર્ષની એક મહિલા એરલાઈન્સ કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો હતો.તે કશું સમજી શકતી નહોતી, તેણે ડોક્ટરને માથાના દુખાવાની સમસ્યા જણાવી. તે બહુ મુશ્કેલીથી ડોક્ટરને તેનું નામ જણાવી શકી. ધીમે ધીમે તેને જવાબ આપવાની ગતિ ધીમી પડી ગઈ. જ્યારે બ્રેઈન સ્કેનિંગ કરવામાં આવ્યું તો સામે આવ્યું કે, મગજના ઘણા ભાગોમાં અલગ પ્રકારનો સોજો હતો. મગજના એક ભાગના કેટલાક કોષો ડેમેજ થઈ ગયા હતા.

 

ડોક્ટરોએ તેને મગજની ગંભીર સ્થિતિ જણાવી અને તેને ‘એક્યુટ નેક્રોટાઇઝિંગ એન્સેફાલોપથી’ નામ આપ્યું. આ દુર્લભ કોમ્પ્લિકેશન છે જે ઈંફ્લુએન્ઝા અને બીજા વાઈરસના સંક્રમણના કારણે થાય છે. હેનરી ફોર્ડ હેલ્થ સિસ્ટમના ન્યૂરોલોજિસ્ટ ડો. એજિસા ફોરેના જણાવ્યા પ્રમાણે, સંક્રમણ બાદ થોડા દિવસમાં ઝડપથી મગજમાં સોજો આવે છે અને સતત વધતો રહે છે. આ કેસ સૂચવે છે કે, દુર્લભ સ્થિતિમાં કોરોનાવાઈરસ મગજને પણ અસર કરી શકે છે. એરલાઈન કર્મચારીની હાલત ખૂબ જ નાજુક છે.

મગજમાં લોહી ગંઠાઇ જવું અને બ્રેઈન સ્ટ્રોક જેવા લક્ષણો દેખાય

ઈટાલીની બ્રેસિકા યુનિવર્સિટીની હોસ્પિટલ સાથે જોડાયેલા ડો. અલેસેંડ્રો પેડોવાનીના અનુસાર, કોરોનાના દર્દીઓમાં આવા ફેરફાર ઈટાલી અને દુનિયાના બીજા ભાગના ડોક્ટરોએ પણ નોટિસ કર્યા હતા. તેમાં બ્રેઈન સ્ટ્રોક, બ્રેઇન એટેક, એન્સેફલાઇટિસ લક્ષણો, મગજમાં લોહી ગંઠાવાનું, મગજ નિષ્ક્રિય થઈ જાય જેવી સ્થિતિ સામેલ છે. કેટલાક કેસમાં કોરોનાના દર્દી તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે તે પહેલાં જ તેઓ બેહોશ થઈ જાય છે. ઈટાલીમાં આવા દર્દીઓ માટે અલગથી ન્યૂરો-કોવિડ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે.

ફેફસાં માટે વેન્ટિલેટર છે, મગજ માટે કંઈ નથી

પિટ્સબર્ગ યુનિવર્સિટીના ન્યુરોલોજીસ્ટ ડો. શૈરી ચોઉના જણાવ્યા અનુસાર, નવી માહિતી તાત્કાલિક સામે લાવવાની જરૂર છે. ફેફસાના નુકસાન થવા પર વેન્ટિલેટરથી દર્દી સ્વસ્થ થઈ શકે છે, પરંતુ મગજ માટે આવી કોઈ સુવિધા નથી.

ચીનના સંશોધનકારોએ પણ માન્યું

તાજેતરમાં કરવામાં રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આવા ઘણા પુરાવા મળ્યા છે કે કોરોનાવાઈરસ હવે માત્ર શ્વાસ લેવા સુધી મર્યાદિત નથી. તે નર્વસ સિસ્ટમ સુધી પહોંચી રહ્યો છે જે શ્વાસ લેવાની ક્ષમતાને નષ્ટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ચીનમાં કરવામાં આવેલ રિસર્ચમાં તેની પુષ્ટિ થઈ છે. ફેબ્રુઆરીમાં કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, કોરોનાથી પીડિત 15% ગંભીર દર્દીઓના માનસિક સ્તરમાં ફેરફાર થયો છે.

Share This Article