પંચમહાલ : મુસાફરની બેગમાંથી રૂ. ૭૭ લાખ રોકડા અને રૂ. ૩૪ લાખના સોના ચાંદીનો જથ્થો મળી આવ્યો, પૂછપરછોનો ધમધમાટ શરૂ

admin
3 Min Read

ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર સુરક્ષાના બંદોબસ્તમાં તૈનાત રેલ્વે પોલીસની સતર્ક નજરોની તલાશીઓમાં ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર ગત સવારે પશ્ચિમ એક્સપ્રેસ માંથી ઉતરેલા યુપીના રહેવાસી અને હરીયાણામાં નોકરી કરતા એક મુસાફર ગીરીશ ગર્ગની બેગમાંથી અંદાઝે ₹ ૭૭ લાખ રોકડા અને ₹ ૩૪ લાખના સોના ચાંદીનો જથ્થો મળી આવતા પૂછપરછોનો ધમધમાટ શરૂ.ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર ગઈકાલે સવારે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલા એક મુસાફર ગીરીશ ગર્ગની ભારેખમ બેગની શંકાને આધારે રેલ્વે પોલીસ કર્મચારીઓ દ્વારા તલાશી લેતા આ મુસાફરની બેગમાંથી ૭૭ લાખ રૂપિયા રોકડા અને ૩૪ લાખ રૂપિયાના સોના-ચાંદીનો જથ્થો મળી આવતા ચોંકી ઉઠેલા ગોધરા રેલ્વે પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા યુપીના રહેવાસી અને હરીયાણામાં નોકરી કરતા આ મુસાફર ગીરીશ ગર્ગની ઝીણવટ પૂર્વક પૂછપરછો કરી રહ્યા હોવાનું રેલ્વે પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.મળતી વિગત મુજબ અમૃતસર થી બાંદ્રા તરફ જઈ રહેલ પશ્ચિમ એક્સપ્રેસમાંથી ગઈકાલે સવારે ટ્રેનમાંથી ઉતરેલા એક મુસાફર પાસે રહેલ ભારેખમ બેગ જોઈને સુરક્ષા માટે પેટ્રોલીંગ કરી રહેલા ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા બેગની તલાશી લેતા ચલણી નોટોના બંડલ અને સોના ચાંદીનો જંગી જથ્થો મળી આવતા આ મુસાફરને ગોધરા રેલ્વે પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો,

બેગમાં રહેલ અલગ અલગ દરની ચલણી નોટોના જથ્થાની ગણતરીઓ માટે રેલ્વે પોલીસ તંત્રના કર્મચારીઓએ કલાકો સુધી કરેલ મહેનતના અંતે અંદાઝે ૭૭ લાખ રૂપિયા રોકડા અને ૩૪ લાખ રૂપિયાના સોના ચાંદીના જથ્થા સાથે અંદાઝે ૧.૧૧ કરોડ રૂપિયાના આ મુદ્દામાલ સાથે રેલ્વે પોલીસના સકંજામાં આવી ગયેલ આ મુસાફર યુપીનો રહીશ અને હરીયાણામાં નોકરી કરતો ગીરીશ ગર્ગ હોવાનું જણાવ્યું હતું અને આ લાખ્ખો રૂપિયા રોકડા અને સોના ચાંદીના જથ્થા સંદર્ભમાં ગોધરા રેલ્વે પોલીસ ફોર્સની પૂછપરછોમાં ગોળ ગોળ જવાબો આપી રહયો હોવાનું જાણવા મળી રહયું છે.જો કે ગોધરા રેલ્વે પોલીસ તંત્ર દ્વારા આ મુસાફર ગીરીશ ગર્ગની પ્રાથમિક અટકાયત સાથે ઝીણવટ પૂર્વક પૂછપરછો શરૂ કરી છે. અને આ ૭૭ લાખ રૂપિયા રોકડા અને ૩૪ લાખ રૂપિયાની કિંમતનો સોના ચાંદીનો જથ્થો કાયદેસર છે કે બિન હિસાબી હશે આ અંગે ઈન્કમટેક્ષ સત્તાવાળાઓને પણ જાણ કરાશે. જો કે પશ્ચિમ એક્સપ્રેસ માંથી અંદાઝે ૧.૧૧ કરોડ રૂપિયાની મત્તા સાથે ગોધરા રેલવે સ્ટેશન ઉપર ઉતરેલા આ મુસાફર ગીરીશ ગર્ગ ક્યાં જવાનો હતો ? અને રેલ્વે સ્ટેશન ઉપર આ મુસાફરને લેવા માટે કોઈક આવવાનું હતું કે કેમ ? આ રહસ્યો પૂછપરછો બાદ જ બહાર આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે..

Share This Article