દેવ નદીના બ્રિજ નીચેથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો

admin
2 Min Read

વડોદરાના વાઘોડિયા તાલુકાના વેજલપુર ગામે દેવ નદીના બ્રિજ નીચેથી થોડા દિવસ અગાઉ એક યુવાનની લાશ મળી આવી હતી, જેનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. લાશની ઓળખ થયા બાદ એલસીબી અને વાઘોડિયા પોલીસે હત્યાનો ભેદ ઉકેલી બે લોકોની ધરપકડ કરી છે. હત્યારા પૈકી એક મૃતકનો ભત્રીજો થતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સમગ્ર ઘટના અંગે  ડીવાયેઅસપી કલ્પેશ સોલંકીએ જણાવ્યું હતું કે, વેજલપુરની સીમમાં દેવ નદીના બ્રિજ નીચેથી ગત 12 નવેમ્બરે યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ લાશ વાઘોડિયાના તવરા ગામના ગણપત ઉર્ફે ભયો ગોરધન વસાવાની હોવાનું સામે આવ્યુ હતું. તપાસમાં ગણપતને તવરા ગામે રહેતા તેના ભત્રીજા અજય ઉર્ફે કૃણાલ અરવિંદ વસાવા અને બરાનપુરાના ગણેશ ઉર્ફે ગૌતમ હરેશ ચુનારા સાથે મિત્રતા હોવાથી તેમને મળવા આવતો હતો. ઇંટોના ભઠ્ઠામાં મજુરી કામ કરતો ગણપત તવરા ગામે રહેતી તેની બહેન સુધાની સાથે રહેતો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગણપતની બહેન સુધા ઝવેરભાઇ જાદવભાઇ મેરની તવરા ગામની સીમમાં આવેલી જમીનની રખેવાળી કરતા હતા. આ ઝેવરભાઇ મેર અને અજયને પણ સારા સબંધ હતા. ગત તારીખ ૧૧મીના રાત્રે ગણપત, અજય અને ગણેશ ઝવેરભાઇ મેરના ખેતરમાં ઝૂપડામાં ભેગા થયા હતા. જેમાં ગણપત અને ઝવેરભાઇ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન ગણપતના મિત્રો અજય અને ગણેશે તુ કેમ ઝવેરભાઇને હેરાન કરે છે, તેમ કહીને બોલાચાલી કરી હતી. આખરે ત્રણે મિત્રોએ ભેગા થઇને પાર્ટી કરવા વેજલપુર ગા્મની સીમમાં દેવ નદીના બ્રિજ નીચે સ્મશાને પહોચી ગયા હતા. જ્યાં પાર્ટી દરમિયાન ફરીથી અજય અને ગણેશે તુ ઝવેરભાઇને કેમ હેરાન કરે છે? તુ ગામમાં ખૂબ દાદાગીરી કરે છે. તેમ કહીને ઝઘડો કર્યો હતો. જે દરમિયાન પથ્થર અને લાકડાના ફટકા મારીને ગણપતની હત્યા કરી બંન્ને ફરાર થઇ ગયા હતા.

Share This Article