27 ઓગસ્ટથી શક્તિપીઠ અંબાજી મંદિરમાં યોજાશે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ

admin
2 Min Read

હાલમાં કોરોનાની મહામારી ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. ત્યારે આ મહામારીને ધ્યાનમાં રાખીને દેશના મોટાભાગના ધાર્મિક સ્થાનો ખોલવા માટે મંજૂરી મળી ગઈ છે જોકે, ધાર્મિક સ્થાનોમાં નિયમ અનુસાર ભક્તોને દર્શન કરવાં માટે મંજુરી આપવામાં આવી રહી છે.

(File Pic)

ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરને લઈ મહત્વના અહેવાલ સામે આવ્યા છે. યાત્રાધામ અંબાજીમાં કુલ 26 વર્ષ પછી 27 ઓગસ્ટથી લઈને 2 સપ્ટેમ્બર સુધી એટલે કે કુલ 7 દિવસ સુધી ભાદરવી પૂર્ણિમાનાં મેળાનાં દિવસો દરમિયાન ચાચર ચોકમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજવામાં આવશે. જોકે કોરોના વાયરસના વધતા જતા કેસોને લઈ ભાદરવી મેળો રદ્દ કરવામાં આવ્યો છે. ત્યારે મેળાની જગ્યાએ ભક્તો ઘરે બેઠા જ અંબાનાં ગર્ભગૃહનાં આરતીનાં હવન તેમજ ગબ્બર પર્વતની જ્યોતનાં પણ ઓનલાઇન દર્શન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

(File Pic)

મળતી માહિતી મુજબ, અંબાજીમાં ભાદરવી પૂર્ણિમાનો મહામેળો કોરોનાવાયરસની મહામારીના પગલે સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે. ત્યારે વિશ્વ શાંતિ માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂર્વે 1994માં સહસ્ત્ર ચંડી યજ્ઞ અંબાજીમાં યોજવામાં આવ્યો હતો હવે 26 વર્ષ બાદ 27 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર દરમિયાન જ્યાં મેળો યોજાવાનો હતો તેના સ્થાને હવે સહસ્ત્ર ચંડી યજ્ઞમાં માતાજીના દસ લાખ જાપ કરવામાં આવશે.

(File Pic)

51 શક્તિપીઠના તેમજ હવન શાળાના અંદાજીત 80 જેટલા બ્રાહ્મણ આ યજ્ઞમાં સહભાગી બનશે. આ માટે અંબાજીના ચાચર ચોકમાં 21 ઓગસ્ટે તમામ 1400 ધજાઓની વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવશે. કોરોનાની મહામારીના પગલે રદ થયેલા અંબાજી ભાદરવી પૂનમના મહામેળા બાદ વહિવટી તંત્રે પૂનમીયા પદયાત્રી સંઘ સાથે જોડાયેલા વર્ષો જુના 1400 પદયાત્રી સંઘોના ગામો સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાયેલી ધજા પહોંચાડવામાં આવશે. જે માટે 14 ઝોન બનાવવામાં આવ્યા છે.

Share This Article