છોટાઉદેપુરના ક્વાંટમાં જીવના જોખમમાં ભણતર

admin
1 Min Read

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગર તાલુકામાં રસ્તા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. જેમાં ક્વાંટ તાલુકાના મોટાઘોડા નારુકોટ વચ્ચે પૂલના અભાવે જીવના જોખમે ભણતરની ભૂખ સંતોષવા કરા વિદ્યાર્થીઓ નદીના ચેકડેમ પરથી પસાર થઈને ભણવા માટે મજબુર બન્યા છે. આગામી ચોમાસાના પુર પ્રકોપથી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ઠેર ઠેર કોઝવે અને રસ્તા ધોવાઈ ગયા છે તેજ રીતે કવાંટ તાલુકાના મોટાઘોડા નારૂકોટ વચ્ચે પસાર થતી કરા નદીનો  કોઝવે ધોવાઈ જવાથી મોટાઘોડા અને નારૂકોટ અલગ પડી ગયા છે. વિદ્યાર્થીઓ અને ગામની પ્રજા આ જ રસ્તેથી પસાર થાય છે. આ ગામમાંથી બહાર જવાનો કોઈ બીજો માર્ગ ન હોવાના કારણે વિદ્યાર્થીઓને આ જોખમી ચેકડેમ પરથી જીવના જોખમે પસાર થવું પડે છે. ગામલોકો અને વિદ્યાર્થીઓની માંગણી છે કે અમોને કરા નદી પર પૂલ બનાવી આપે. ગ્રામજનોનું કહેવુ છે કે, કરા નદીમાં પાણી હોવાથી બિમાર વ્યક્તિને કે પછી મહિલાને પ્રસુતિ માટે વધુ સારવાર માટે અન્યત્ર લઈ જવી હોય તો જીવના જોખમે ચેકડેમ પરથી પસાર થવુ પડતુ હોય છે. જેથી મોટી જાનહાનિ થવાની પણ શક્યતા રહેલી છે, ત્યારે તંત્ર ઝડપથી આ સમસ્યાનો નિકાલ લાવે તેવી માંગ ઉઠવા પામી છે.

Share This Article