સુરત : વાહન વ્યવહારના નવા કાયદો આજથી અમલમાં મુકાયો

admin
2 Min Read

સુરતમાં ટ્રાફિકના નવા નિયમોનો આજથી ફરી એકવાર અમલ શરુ થઈ ગયો છે. સુરતમાં આજ સવારથી જ પોલીસ સખ્તાઈથી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવી રહી છે, અને હેલ્મેટ ન પહેર્યું હોય, પીયુસી કે પછી વાહનના દસ્તાવેજ ન હોય તેવા લોકોને દંડવામાં આવી રહ્યાં છે. પોલીસે ટુ-વ્હીલરો પણ ડિટેઈન કર્યા છે.

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરુ થયો હતો, પરંતુ હેલ્મેટ અને પીયુસી માટે લોકોને ભારે હાલાકી પડી રહી હોવાનું ધ્યાને આવતા સરકારે તેમાં એક મહિનાની છૂટ આપી હતી. આ છૂટ પૂરી થયા બાદ લાભપાંચમથી જ નવા નિયમોનો અમલ શરુ કરી દેવાયો છે. દિવાળની રજાઓ બાદ આજથી વેપારીઓ વેપાર-ધંધા શરુ કરી રહ્યા છે ત્યારે આજે નવા વર્ષના કામકાજના પહેલા જ દિવસે કેટલાક વેપારીઓના પણ મેમા ફાટ્યા હતા. નવા નિયમ અનુસાર દરેક વાહનચાલકે લાઈસન્સ, પીયુસી, ઈન્શ્યોરન્સ તેમજ આરસી બુક પોતાની સાથે રાખવા ફરજિયાત છે. ડીજી લોકરમાં રહેલા પુરાવા પણ માન્ય છે.

જો લાઈસન્સ, પીયુસી કે આરસી બુક ન હોય તો પહેલીવાર 500 રુપિયા અને ત્યારબાદ 1000 રુપિયા દંડ થાય છે. અડચણરુપ પાર્કિંગ માટે પહેલી વખત 500 અને ત્યારબાદ 1000 રુપિયા દંડ છે. આ સિવાય કારના ગ્લાસ પર ડાર્ક ફિલ્મ હોય તો અને ચાલુ વાહને ફોન પર વાત કરવા બદલ પણ પહેલવાર 500 રુપિયા અને ત્યારબાદ 1000 રુપિયા દંડ છે. હેલ્મેટ ન પહેરવા પર 500 રુપિયા દંડ છે, અને સૌથી વધુ વાહનચાલકો તેના માટે જ દંડાઈ રહ્યા છે.આ સિવાય લાઈસન્સ વિના ટુ વ્હીલર ચલાવવા પર 2000 રુપિયા, ફોર વ્હીલરના 3000 રુપિયા દંડ છે. જો વાહનનો થર્ડ પાર્ટી વીમો ન હોય, પીયુસી ન હોય તો પણ 2000 રુપિયા સુધીના દંડની જોગવાઈ છે.

 

Share This Article