સુરત : કોરોનાની બન્ને લહેરમાં નવી સિવિલના રેડિયોડાયગ્નોસીસ વિભાગનું આગવું યોગદાન

admin
1 Min Read

કોઈપણ રોગની સફળ અને સચોટ સારવાર માટે સૌપ્રથમ એ રોગની ઓળખ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. શરીરમાં કોરોનાની હાજરી માટે જે રીતે RTPCR ટેસ્ટ જરૂરી છે, એ જ રીતે કોરોનાથી શરીરમાં કેટલાં પ્રમાણમાં ઇન્ફેક્શન ફેલાયું છે એ જાણવાં રેડિયોડાયગ્નોસીસનું આગવું મહત્વ છે. જેથી દર્દીને તાત્કાલિક સારવાર આપીને જીવન બચાવી શકાય. નવી સિવિલના રેડિયોડાયગ્નોસીસ વિભાગે કોરોનાની બન્ને લહેરમાં સિટી સ્કેન, એક્સ-રે તથા સોનોગ્રાફીની ૨૪ કલાક- રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરીને કોરોનાના નિદાન-સારવારમાં આગવું યોગદાન આપ્યું છે.

અહીંના સ્ટાફે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ૩૬,૫૭૨ એક્સ-રે, ૧૪૮૪ સિટી સ્કેન, ૨૪૭૨ સોનોગ્રાફી કરી છે. ઉપરાંત, મ્યુકર માઈકોસિસના ૨૦૦, એમ.આર.આઈ. ૯૭ અને કલર ડોપ્લરના ૭૮ રિપોર્ટ પણ કરાયા છે. વિભાગના કુલ ૮૪ જેટલા કર્મયોગીઓમાં ૭૦ ટકા મહિલાઓ ફરજ નિભાવી રહ્યાં છે, જેમણે દિવસરાત જોયા વિના ઈમેજિંગની કાબિલેદાદ કામગીરી નિભાવી છે. સુરતની નવી સિવિલમાં રાજ્યનું એકમાત્ર વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી ધરાવતું Philips કંપનીનું ૨૫૬ સ્લાઈસ સિટીસ્કેનર મશીન ઉપલબ્ધ છે, જે માત્ર ૦૫ મિનિટમાં કોવિડ દર્દીનો એચઆરસિટી રિપોર્ટ આપે છે. રેડિયોડાયગ્નોસીસ અને ઈમેજિંગ વિભાગના વડા અને પ્રોફેસર ડો. પૂર્વી દેસાઈ જણાવે છે કે, કોરોનાની પ્રથમ લહેરમાં દર્દીઓનો ખૂબ ધસારો હોવાથી સ્ટેમસેલ બિલ્ડીંગમાં રેડિયોલોજી વિભાગ શરૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ, અને ગ્રાઉન્ડફ્લોર પર ૫૦૦ MM એક્સ-રે મશીન અને ડિજીટલ એક્સ-રેની સુવિધા ઊભી કરાઈ.

Share This Article