સર્વે : કોરોનાકાળમાં અભ્યાસમાં અડચણરુપ બન્યું ઈન્ટરનેટ

admin
2 Min Read

હાલ આખો દેશ કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. સ્કૂલ-કોલેજો છેલ્લા કેટલાય મહિનાઓથી બંધ છે. ત્યારે આ દરમિયાન વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. કોરોના વાયરસનું સંક્રમણ જ્યારથી શરૂ થયું છે ત્યારથી શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ અટવાઈ પડયો છે. જોકે ઘણી શિક્ષણ સંસ્થાઓ ઓનલાઈન અભ્યાસ કરાવી રહી છે. પરંતુ તેમાં પણ અનેક અડચણ આવી રહી છે. હાલમાં જ હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં ચોંકાવનારું તારણ સામે આવ્યુ છે. જેમાં 56% શિક્ષકોને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં નબળી ઇન્ટરનેટ કનેકટીવિટી અડચણરુપ બની રહી હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે 44 ટકા શિક્ષકોનું કહેવું છે કે વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસમાં ધ્યાન આપતા જ નથી. હાલમાં કોરોના વાયરસ ના કહેર વચ્ચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે ઓનલાઇન અભ્યાસ એકમાત્ર વિકલ્પ છે. ત્યારે વિદ્યાર્થીઓ નહી હવે તો શિક્ષકો માટે પણ ઓનલાઇન અભ્યાસ મુશ્કેલરૂપ બન્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.

ઓનલાઇન ટેકનોલોજી કંપની એક્સ્ટ્રા માર્કસ એજ્યુકેશન દ્વારા ઓનલાઇન શિક્ષણ અંગે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના 2200 જેટલા શિક્ષકોનો મત જાણવાનો પ્રયાસ કરાયો હતો. જે અંતર્ગત 56% શિક્ષકોએ ઓનલાઇન અભ્યાસમાં નબળી ઇન્ટરનેટ કનેક્ટિવિટી મુશ્કેલી કરી રહી છે જ્યારે 44 ટકા શિક્ષકોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસમાં ધ્યાન આપતા નથી આ ઉપરાંત અન્ય પૂછાયેલા પ્રશ્નોમાં શિક્ષકોએ જણાવ્યું કે 57% શિક્ષકો ઓનલાઇન શિક્ષણને પડકારજનક ગણાવે છે. તો 75% શિક્ષકોને લાગે છે કે ઓનલાઇન શિક્ષણના કારણે દૈનિક દિનચર્યા પર અસર પડી છે. મહત્વનું છે કે, દેશભરમાં અનલોક 5ની શરુઆત થઈ ગઈ છે ત્યારે કેન્દ્ર સરકારે પણ રાજ્ય સરકારોને જે તે સ્થિતિને ધ્યાનમાં રાખી સ્કૂલો-કોલેજો ખોલવા માટે મંજૂરી આપી છે. જોકે ગુજરાત સરકારે કોરોના સંક્રમણને જોતા 15 ઓક્ટોબરથી સ્કૂલો ન ખોલવા માટેનો નિર્ણય લીધો છે.

Share This Article