વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા

admin
2 Min Read

દ્વારકા તાલુકાના વરવાળા ગામે ખાનગી શાળા દ્વારા સરકારની પૂર્વ મંજૂરી વગર ધો.11નો કલાસ શરૂ કરી 15 વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવામાં આવતાં આ ગંભીર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શિક્ષણ જગતમાં કેટલું લોંલમલોલ ચાલે છે તે દ્વારકા જિલ્લામાં જોવા મળ્યું છે. દ્વારકા તાલુકાના વરવાળા ગામ ખાતે સેન્ટ આન્સ નામની ખાનગી શાળા આવેલી છે. જ્યાં ધોરણ 10 સુધી હાલમાં અભ્યાસ ચાલે છે. પરંતુ ફી અને કમાણીની લાલચમાં આ શાળાએ ધોરણ 11માં 15 જેટલા બાળકોની ફી એડમિશનના નામે ઉઘરાવી લીધી. હદ તો ત્યારે થઈ કે, ધોરણ 11ની તંત્ર તરફથી મંજૂરી મળેલી જ નથી છતાં શાળાના સંચાલકોએ ફી લીધી હતી.
સેન્ટ આન્સમા 15 જેટલાં બાળકોએ ધોરણ 11માં એમ માનીને એડમિશન તો લઈ લીધું કે, તેમનું ભણતર ચાલુ છે. પણ વાલીઓ અને આ નિર્દોષ બાળકોને એ ખ્યાલ જ ન હતો કે, તેમણે જે શાળામાં એડમિશન લીધું છે તે શાળાને ધોરણ 11 વર્ગની પરમિશન તંત્ર દ્વારા હજુ આપવામાં આવી જ નથી. આખરે આ સમગ્ર મામલે શાળા સંચાલકોએ પોતાની જવાબદારી ખંખેરી નાખતા મામલો બહાર આવ્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી આ મામલે તપાસ કરવા વરવાળાની શાળાએ પહોંચતા શાળાની ગંભીર બેદરકારી સામે આવી હતી.
15 જેટલા માસૂમ બાળકોના ભવિષ્ય સાથે રમત કરનાર આ શાળા સંચાલકો જાણે આ ગંભીર ભૂલને સામાન્ય ગણી મંજૂરી ના મળતા, ધો.11 ના એડમિશન કેન્સલ કરવાનું બહાનું કાઢી રહ્યા છે. ત્યારે સહુથી વિકટ સવાલ એ છે કે સંચાલકોની બેદરકારીની સજા આ બાળકોને મળી છે તો તેમના ભવિષ્યનું શું? આખરે આવી શાળાઓ સામે કેવી આકરી કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે તે પણ જોવું રહ્યું.

Share This Article