શિયાળો આવે એટલે લોકો જમવામાં વધારે ધ્યાન આપવા લાગે છે. કહેવાય છે કે, શિયાળામાં જેટલું ખાઓ તેટલું ઓછું છે. આથી શિયાળો આવતા ખાવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મહત્વનું છે કે, જો ફળોનો રાજા કેરી છે તો શાકભાજીનો રાજા ગાજરને કહી શકાય. સલાડનું અભિન્ન અંગ ગણાતું ગાજર ઔષધીય ગુણોનો ભંડાર છે. કારણ કે, ગાજરને દરેક ડાયટ ચાર્ટમાં સ્થાન અપાયું છે. તેમાં અઢળક વિટામિન્સ અને મિનરલ્સ રહેલાં છે. તે આંતરિક તંદુરસ્તીની સાથે બાહ્ય તંદુરસ્તીમાં પણ વધારો કરે છે. ઉલ્લેખનીય છે કે, ગાજરને ધોયા બાદ તેની છાલ કાઢવાની જરૂર હોતી નથી કેમકે તેના આ રેસામાં જ ફાઇબર હોય છે. ગાજરમા રહેલાં અઢળક વિટામિન્સ અને મિનરલ્સમાં મુખ્યત્વે બીટા કેરોટિન છે. તે શરીરની અંદર જઇને વિટામિન A નું નિર્માણ કરે છે. જે વ્યક્તિને રતાંધળાપણું હોય તેના માટે ગાજર સંજીવનીની ગરજ સારે છે. મોતિયાના ઓપરેશન વખતે પણ ડોક્ટર કાચા ગાજર ખાવાની કે ગાજરના જ્યુસનું સેવન કરવાની સલાહ આપે છે. વજન ઘટાડવા માંગતી વ્યક્તિ માટે ગાજરનું સેવન બેસ્ટ છે. ગાજર અશક્તિ દૂર કરે છે અને શરીરમાં પોષણ અને શક્તિ આપે છે. આ ઉપરાંત પાચનશક્તિ સુધારે છે અને કબજિયાત દૂર કરે છે. ત્વચાને સુંવાળી અને શાઈની બનાવવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
