ગોધરા શહેરના રેલવે સ્ટેશન ઉપર શનિવારના રોજ ડોગ સ્ક્વોડના ડોગને સાથે રાખીને ચેકિંગ કરાયું હતું. જેમાં મુસાફરોના સામાનની સાથે પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીઓમાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35-Aને નાબૂદ કર્યા બાદ હાલમાં દરેક જાહેર સ્થળોએ સઘન સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. રેલ્વે વિભાગ દ્વારા પણ યાત્રિઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને રેલ્વે સ્ટેશન પરિસરમાં સઘન સુરક્ષા તૈનાત રાખવામાં આવી છે. ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર શીનવારે ડોગ સ્કવોડની ટીમ અને સુરક્ષા જવાનો દ્વારા પ્લેટફોર્મ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મુસાફરોના સામાનથી લઇને કચરાના ડબ્બા પણ ચકાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત રેલ્વે સ્ટેશન પરિસરમાં પાર્ક કરવામાં આવેલી ગાડીઓને પણ ચેક કરવામાં આવી હતી. રેલ્વેમાં મુસાફરી કરતાં યાત્રિકોને પણ સતર્ક રહેવાની સાથે સાથે જો કોઇ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જણાય તો તુરંત જ પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી હતી.
