કોરોનાના કારણે સુરતના હીરા ઉદ્યોગને લાગ્યું ગ્રહણ

admin
2 Min Read

સુરતમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અનલોકની જાહેરાત કરવામાં આવ્યા બાદ સુરતમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઈલ ઉદ્યોગ શરુ તો થયા છે પરંતુ સુરતના ડાયમંડની ઝલક કોરોનાને કારણે ઝાંખી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કોરોના બાદ રત્ન કલાકારો પોતાના વતન ચાલ્યા જતા માંડ 35 ટકા ડાયમંડ યુનિટ ખૂલ્યા છે. તો બીજીબાજુ હીરા ઉદ્યોગમાં છેલ્લા બે ક્વાર્ટરની વાત કરીએ તો ગત વર્ષ કરતાં આ વર્ષે 40 હજાર કરોડથી પણ વધુ બિઝનેસ લોસ ભોગવી ચૂક્યાં છે.

(File Pic)

કોરોના મહામારી વૈશ્વિક મંદી અને અમેરિકા ચીન વચ્ચેની સ્થિતિના કારણે આ વખતે છેલ્લા છ મહિનામાં હીરા ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકશાન ભોગવવુ પડ્યુ છે. છે. સમગ્ર વિશ્વની વાત કરીએ તો, 10 માંથી 9 હીરા સુરતમાં કટીંગ થતા હોય છે. જોકે છેલ્લા 3 વર્ષથી આ ઉદ્યોગને કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તેમાંય સુરતમાં મોટાપાયે આ ઉદ્યોગના કારણે લાખો લોકોને રોજગારી મળે છે.

(File Pic)

પરંતુ વિશ્વભરમાં કોરોના મહામારી અને વૈશ્વિક મંદી તેમજ ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ જેવી પરિસ્થિતિ જેવા પરિબળો હીરાઉદ્યોગ માટે ગ્રહણ સમાન બની ગયા છે. 2019ની સરખામણીમાં પ્રથમ ક્વાર્ટર જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં હીરા ઉદ્યોગને 14670 કરોડનું અને બીજા ક્વાર્ટર એપ્રિલ, મે અને જૂનમાં 25522 કરોડનું બિઝનેસ નુકશાન થયું છે. એટલે પ્રથમ ક્વાર્ટરમાં 35 ટકા અને બીજા ક્વાર્ટરમાં 62 ટકા બિઝનેસ નુકશાન થતા કુલ 40192 કરોડનું બિઝનેસ નુકસાન હીરા ઉદ્યોગને થયું છે.

Share This Article