ગુજરાતમાં સી-પ્લેનથી મુસાફરીનું સપનું થશે સાકાર !

admin
2 Min Read

ગુજરાતમાં 2017ની વિધાનસભા ચુંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી પ્લેનના પ્રોજેક્ટની ચર્ચા શરુ કરી હતી. ત્યારે હવે આ પ્રોજેક્ટની શરુઆત અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થઈ શકે છે.

મળતી વિગત અનુસાર, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી-પ્લેનની હવાઇ સેવા શરૂ કરવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ ઓક્ટોબરથી શરૂ કરવાના નિર્દેશ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે 19 મુસાફરોની ક્ષમતા ધરાવતા ત્રણ એર પ્લેનની પસંદગી કરી લીધી છે.

આ પ્લેન સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના રુટ પર ઉડાણ ભરશે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા નજીકના સુત્રોના જણાવ્યા મુજબ સી પ્લેન શરુ થશે તો સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અંતર 50 મિનિટમાં કાપી શકાશે. આગામી સપ્ટેમ્બર સુધીમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વતી આઇડબ્લ્યૂએઆઇ બાથીમેટ્રિક અને હાઇડ્રોગ્રાફિક સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

બાથીમેટ્રીક સર્વે એ જળાશયના ઉંડાણ અને પાણીની નીચેની સપાટીના પરિબળો ચકાસતો મહત્વનો સર્વે છે. જેનું કામ પૂર્ણ થયા બાદ તરત જ રૂટની કામગીરી શરૂ કરાશે. કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં દેશના સી પ્લેન પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.

સી પ્લેન પ્રોજેક્ટ હેઠળ 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે જેમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રૂટનો પણ સમાવેશ થાય છે. માંડવિયાએ જણાવ્યું કે આ રૂટથી સમયનો બચાવ થશે અને પર્યટનને વેગ મળશે.

Share This Article