હાલોલમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યો, આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રમાં દોડધામ

admin
1 Min Read

હાલમાં કોરોના વાયરસની મહામારીને લઈને સમગ્ર દેશમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. તેવામાં પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે કોરોના પોઝીટીવનો પ્રથમ કેસ મળી આવતા સમગ્ર તાલુકામાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પંચમહાલના હાલોલ શહેરના લીમડી ફળીયામાં રહેતા ૫૫ વર્ષીય આધેડને બે દિવસ પૂર્વે હાલોલના ખાનગી ડાયોગનીસીઝ સેન્ટર ખાતે એક્સ રે કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કાલોલની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે હાલોલના ડાયોગનીસીઝ સેન્ટર વાળાને રીપોર્ટ શંકાસ્પદ જણાતા તેઓ દ્વારા ગોધરા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી.

જેથી આરોગ્ય વિભાગ દ્વારા ૫૫ વર્ષીય પુરુષને કાલોલની ખાનગી હોસ્પિટલ ખાતેથી ગોધરા સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના સેમ્પલ લઈને રીપોર્ટ કરતા તેમને કોરોના પોઝીટીવ હોવાનું જણાઈ આવ્યુ હતું. જેથી સમગ્ર હાલોલ શહેરમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જ્યારે હાલોલના લીમડી ફળીયા વિસ્તારમાં વહિવટીતંત્ર તેમજ જીલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ આ વ્યક્તિના ઘરનાં સભ્યોને હોમ ક્વોરોન્ટાઈન કરવામા આવ્યા હતા.

Share This Article