શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રી રુપાણીને પત્ર લખીને કરી આ માંગ

admin
2 Min Read

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે મુજબ 25 ઓગસ્ટથી રાજ્યભરમાં પુરક પરીક્ષા લેવામાં આવશે. જેમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જોકે ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર હજી યથાવત જોવા મળી રહ્યો છે. તેમજ હાલ રાજ્યમાં ચોમાસુ સક્રિય હોવાથી આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી પણ રહેલી છે.

(File Pic)

ત્યારે રાજ્ય શાળા સંચાલક મહામંડળે ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાઓ રદ્દ કરવાની માંગને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. રાજ્યના શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ધોરણ-10 અને ધોરણ-12ની પુરક પરીક્ષા રદ કરવા માગ કરી છે.

(File Pic)

શાળા સંચાલકોએ માગ કરી છે કે પરીક્ષા રદ કરી અને ધોરણ-10માં નાપાસ વિદ્યાર્થીને સરેરાશ ગુણ આપવામાં આવે અને ધોરણ-11માં પ્રવેશ આપવામાં આવે. તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પણ પ્રમોશન પદ્ધતિથી ગુણ આપવામાં આવે અને વિજ્ઞાન પ્રવાહ બાદ બીએસસીમાં પ્રવેશ લેવા માગતાને પણ પ્રમોશન આપવાની શાળા સંચાલકો દ્વારા માગ કરાઇ છે. જ્યારે મુખ્યમંત્રીને લખવામાં આવેલ પત્રમાં મેડિકલ, ફાર્મસી, એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા માગતા વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવાની માંગ શાળા સંચાલક મહામંડળે કરી છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ 12ની પૂરક પરીક્ષા આગામી 25 ઓગસ્ટથી શરૂ થશે અને 27 ઓગસ્ટ સુધી ચાલવાની છે. જેમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. ધોરણ 10 બોર્ડની પૂરક પરીક્ષા પણ 25 ઓગસ્ટથી શરૂ થશે અને 28 ઓગસ્ટ સુધી ચાલશે.

Share This Article