કોરોના વાયરસનો કેર સમગ્ર વિશ્વને હંફાવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે અગમચેતીના પગલા લેવા માંડ્યા છે. ગુજરાતમાં એક પણ કોરોનાનો હજુ સુધી પોઝિટિવ કેસ નોંધાયો નથી.કોરોનાને લઈ જે પગલાં લેવામાં આવ્યાં છે તેની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી છે તેવું રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમે જણાવ્યુ હતુ. એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનીગ કરવામાં આવી રહ્યું છે.ગુજરાતના આરોગ્ય કમિશનર અને મુખ્ય સચિવ અનિલ મુકમે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનીગ કરવામાં આવી રહ્યું છે.
ધોરણ 10 અને 12 ની પરીક્ષા પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. તો 29 મી માર્ચ સુધી શાળા કોલેજો તેમજ આંગણવાડીઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. જોકે ટીચર અને ઓફિસ સ્ટાફ શાળાએ આવી શકે છે. સિનેમાઘરો, સ્વિમિંગપુલ પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ સરકારે કહ્યુ છે કે વયસ્ક વ્યક્તિએ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. જરૂર વગર ઘરની બહાર ન નીકળવા સુચન કર્યુ છે. ભીડ ભેગી થાય તેવા કાર્યક્રમો કરવા પર પ્રતિબંધ લાદ્યો છે.
જાહેરમાં થુંકનારે રૂપિયા 500 નો દંડ કરવાની જોગવાઇ કરવામા આવી છે. ખાનગી અને ધાર્મિક સંસ્થાઓએ પણ કાર્યક્રમો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. તકેદારીના ભાગરૂપે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
