જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ત્રણ આતંકીઓ ઠાર

admin
1 Min Read

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર કરાયા છે. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના કંગન વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું.

જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ, પુલવામા જિલ્લાના કંગન વિસ્તારમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમાંથી એક જૈશનો કમાન્ડર હતો, જે વિદેશી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.

આર્મીના જણાવ્યા મુજબ મરાયેલો આતંકવાદી IED બ્લાસ્ટમાં નિષ્ણાંત હતો. આ એન્કાઉન્ટરમાં એક ભારતીય સૈનિક પણ ઘાયલ થયો છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા બાદ નેશનલ રાઇફલ્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સુરક્ષા દળોએ આતંકવાદીઓને શરણાગતિ માટે પણ કહ્યું હતું, પરંતુ તેઓએ ફાયરિંગ શરૂ કરી દેતા સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો.જેમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. બીજીબાજુ સાવચેતીના ભાગ રૂપે પુલવામા જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

Share This Article