કાલોલના સરપંચના પતિનો વીડિયો વાયરલ

admin
2 Min Read

પંચમહાલના કાલોલના સરપંચના પતિનો વીડિયો વાયરલ થયો છે. વરવાળા પંચાયતના સરપંચના પતિ દાખલો લખવા, આવાસ મંજૂર કરાવવા માટે પૈસા માગ્યા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યુ છે.એટલુ જ નહીં ડીડીઓ અને કલેક્ટર સુધી પૈસા પહોંચતા હોવાનું સરપંચના નિવેદનમાં વીડિયોમાં સામે આવ્યું છે. વાયરલ થયેલ વીડિયો સાથે તંત્ર દ્વારા પગલાં લેવાની માંગનો પણ મેસેજ ફરતો થયો છે. જોકે આ મામલે તંત્ર દ્વારા કોઇ જ પુષ્ટી કે સ્પષ્ટતા અપાઇ નથી.ઉલેખનીય છે કે પંચમહાલમાં ભ્રષ્ટાચારની પોલ ખોલતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કાલોલ તાલુકાના વરવાળા પંચાયતના સરપંચના પતિ આવકના દાખલા માટે રૂપિયા માગી રહ્યા છે. સરપંચના પતિનો પાવર એટલો છે કે તેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે TDO ને ફરિયાદ કરો કે કલેક્ટરને બધે જ ટકાવારી ચાલે છે અને બધા જ અધિકારીઓ રૂપિયા લે છે. જોકે તેઓ બેઝિઝક પણે જણાવે છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો મને કોઇ જ ફરક નથી પડતો. સરપંચના પતિ આટલેથી ન અટક્યા અને ખુલ્લેઆમ જણાવી દીધું કે રૂપિયા નહીં આપો તો સરકારી લાભ પણ નહીં મળે. જોબકાર્ડના પૈસા આપશો તો જ મળશે. આ વીડિયો પરથી એક વાત સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચાર બધે જ ફુલ્યો ફાલ્યો છે ત્યારે જોવાનું એ રહે છે કે વીડિયો વાયરલ થયા બાદ સરપંચના પતિ સામે કોઇ કાર્યવાહી થાય છે કે કેમ?

Share This Article