ખાલિસ્તાન મૂવમેન્ટને ‘રૉ’ના એક શીખ અધિકારી ‘ષયયંત્ર’ કેમ કહે છે?

Jignesh Bhai
9 Min Read

કેનેડા-ભારતનો વિવાદ સપાટી પર આવતાં જ ખાલિસ્તાનની ચર્ચા શરૂ થઈ છે. આ વિવાદ ચરમ પર આવ્યો તેનું કારણ ખાલિસ્તાન સમર્થક હરદિપસિંઘ નિજ્જરની હત્યા છે. નિજ્જરની હત્યા 18 જૂનના રોજ કેનેડાના બ્રિટિશ કોલમ્બિયા રાજ્યમાં થઈ હતી, અને હવે તે હત્યાને લઈને કેનેડા-ભારત આમનેસામને આવી ચૂક્યા છે. છેલ્લા ઘણાં વર્ષોથી ખાલિસ્તાન મૂવમેન્ટનો અવાજ કેનેડામાંથી સંભળાય છે અને એટલે જ ભારત સરકાર પણ આ પ્રત્યે કડક વલણ અખત્યાર લીધું છે. પ્રથમ એ સમજીએ કે ખાલિસ્તાન મૂવમેન્ટ છે શું? પંજાબ રાજ્યમાં વર્ષોથી અલગ સ્વાયત્ત દેશ બનાવવાની મૂવમેન્ટ ચાલી રહી છે; તેને જ ખાલિસ્તાન મૂવમેન્ટ કહેવાય છે. ‘ખાલસા’ શબ્દ ‘ખાલિસ’ શબ્દ પરથી આવ્યો છે અને તેનો અર્થ થાય છે શુદ્ધ અથવા તો પવિત્ર. આ નામ શીખોના દસમા ગુરુ ગોવિંદ સિંઘે આપ્યું હતું અને ત્યારથી શીખો સમાજની આસ્થા સાથે ‘ખાલસા’ શબ્દ જોડાયો છે.

પંજાબ ક્ષેત્રમાં ખાલિસ્તાન શબ્દ તો પ્રચલિત સદીઓથી હતો; પરંતુ ખાલિસ્તાન રાજ્યની માગણી 1930ના અરસામાં જોરશોરથી થઈ. અને પછી જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તો દેશની સ્થિતિ ડામાડોળ હોવાના કારણે ખાલિસ્તાનની વાત વિસરાઈ. પછી શીખો વિદેશમાં સ્થાયી થવા માંડ્યા ત્યારે ત્યાંથી મળેલી નાણાંકીય મદદના કારણે ફરી ખાલિસ્તાન મૂવમેન્ટનો સૂર પકડાતો ગયો. તેમાં જગજિતસિંઘ ચૌહાણ નામના એક આગેવાન આવ્યા; જેમણે ખાલિસ્તાન માટે પાકિસ્તાનના તત્કાલિન વડા પ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટો પાસે મદદ માગી હોવાનું પણ કહેવાય છે. જગજિતસિંઘ અમેરિકામાં સ્થપાયેલી ‘કાઉન્સિલ ઑફ ખાલિસ્તાન’ના પ્રથમ પ્રમુખ હતા. જોકે તે પછી જગજિતસિંઘનું વલણ આ બાબતે નરમ પડતું ગયું અને પંજાબના જ તેમના ગામમાં 2007માં તેઓ મૃત્યુ પામ્યા. જગજિતસિંઘના અવસાન પછી ખાલિસ્તાન મૂવમેન્ટ સાવ પડી ભાંગી.

આ મૂવમેન્ટની અહીં ઝલક આપી છે, પરંતુ તેની વચ્ચે દેશમાં એવું ઘણું બન્યું જેના કારણે પંજાબ સળગતું રાજ્ય રહ્યું. અમૃતસરના સુવર્ણમંદિરમાં બ્લ્યૂસ્ટાર ઓપરેશન લોંચ કરવામાં આવ્યું, પંજાબમાં ખાલિસ્તાનના સમર્થકોના ખાત્મા માટે ઓપરેશન ચાલ્યું અને તે જ કારણે દેશને વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી ગુમાવવા પડ્યાં. પંજાબ આ રીતે અરાજકતામાં ત્રણ દાયકા રહ્યું. આ સ્થિતિ વિશે ‘રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ’[રૉ]ના અધિકારી જી.બી.એસ. સિદ્ધૂએ ‘ધ ખાલિસ્તાન કોન્સ્પિરસી’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં ખાલિસ્તાનના પૂરા વિચારને તેમણે મથાળામાં જ ‘કોન્સ્પિરસી’ એટલે કે ‘ષડયંત્ર’ કહી દીધું છે. આ પુસ્તક પોણા ત્રણસો પાનાનું છે અને તેમાં ખાલિસ્તાન વિશે વિગતે ઘટનાક્રમ સમાવી લેવાયો છે, પરંતુ અહીંયા જી.બી.એસ. સિદ્ધૂને થયેલાં અનુભવ વિશે જ વાત થઈ શકશે. સિદ્ધૂ પુસ્તકના એક પ્રકરણ ‘કેનેડા એન્ડ ધ શીખ ડાયસ્પોરા ઇન લેટ 1970’માં લખે છે કે, “કેનેડામાં વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતાં શીખો સાથેની મારી વાતચીત દરમિયાન મને એમ લાગ્યું કે કેનેડામાં ખાલિસ્તાન તરફી વિચાર ધરાવનારાં માત્ર બે જ વ્યક્તિ હતા. તેમાંના એક ટોરેન્ટો સ્થિત કુલદિપ સિંઘ સોઢી અને બીજા પ્રોફેસર ઉદયસિંઘ ચૌધરી.”

સિદ્ધૂ અહીં જગજિતસિંઘ ચૌહાણનો ઉલ્લેખ કરતાં લખે છે કે, “1970માં સામાન્ય રીતે કેનેડાના શીખ સમાજમાં એવી માન્યતા હતી કે જગજિતસિંઘને પાકિસ્તાન ‘આઈએસઆઈ’ નાણાંની મદદ કરે છે. અને જગજિતસિંઘનો પ્રતિનિધિ કેનેડામાં કુલદિપસિંઘ સોઢી હતો. લોકો મહદંશે કુલદિપસિંઘની અવગણના કરતાં. જોકે ઘણી વખત કેનેડામાં જોવા મળતાં ખાલિસ્તાન પાસપોર્ટ, ખાલિસ્તાની સ્ટેમ્પ પેપર અને ચલણી નાણાં પ્રત્યે લોકોને જિજ્ઞાસા રહેતી. જગજિતસિંઘને કેનેડામાં મર્યાદિત વિસ્તારમાં જ ઓળખ મળી હતી.”

કેનેડામાં બીજા ખાલિસ્તાનના સમર્થક તરીકે જેનું નામ સિદ્ધૂ લે છે તે અધ્યાપક ઉદયસિંઘ છે. તેમના વિશે પુસ્તકમાં લખે છે કે, “તેઓ કેનેડા આવ્યા પછી ટોરેન્ટો પાસે આવેલા ઓન્ટેરિયોમાં લોરેન્ટિઅન યુનિવર્સિટીમાં ગણિતના અધ્યાપક બન્યા. તેઓ ખાલિસ્તાનના સમર્થક હતા, પરંતુ પોતાના વિચારો મર્યાદિત વ્યક્તિઓમાં જાહેર કરતા. બાકી તેમનું કામ શીખ બાળકોને ગુરુમુખી શિખવાડવાનું હતું. ઓપરેશન બ્લ્યૂ સ્ટાર પછી તેઓ જાહેરમાં ખાલિસ્તાનના સમર્થનમાં આવ્યા અને તેમણે ‘ધ વેનિંગ એન્ડ વેક્સિંગ ઑફ ખાલિસ્તાન’ નામનું પુસ્તક લખ્યું. 1985માં એર-ઇન્ડિયામાં કનિષ્ક બોમ્બ બ્લાસ્ટ થયો અને 329 લોકો તેમાં માર્યા ગયા હતા, તેમાં જેમના પર આરોપો ઘડાયા હતા તે અજિબસિંઘ બાગરી અને ઇન્દ્રજિતસિંઘ રૈયતના પરિવારને મદદ કરવામાં પણ ઉદયસિંઘ હતા. ઉદયસિંઘનું અવસાન 2013માં થયું. એ રીતે કેનેડામાં ક્યારેય ખાલિસ્તાનની મૂવમેન્ટને સહકાર મળ્યો નથી.”

આગળ તેઓ એક ઘટના ટાંકતા લખે છે “1979ના 24-25 માર્ચના રોજ ટોરેન્ટોની ઇન ઓન ધ પાર્ક હોટલમાં જ્યારે શીખોની એક કોન્ફરન્સ યોજાઈ ત્યારે મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. મેં ત્યાં એકઠા થયેલાં ત્રણસો-ચારસો લોકો સામે એવું ભાષણ કર્યું કે શીખોએ અહીંયા કેનેડા સરકારની વૈવિધ્યભરી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની નીતિનો લાભ ઊઠાવવો જોઈએ અને તેમના પછીની પેઢી કેનેડાના જવાબદાર નાગરીકો બનાવવામાં પોતાનો સમય ફાળવવો. નહીં કે પંજાબ કે ભારતમાં શું થઈ રહ્યું છે તે વિશે વિચારતા રહેવામાં. મેં આવું ભાષણ આપ્યું ત્યારે શ્રોતાઓમાંથી કુલદિપસિંઘ સોઢી ઊભો થયો અને તે મોટેથી એમ બોલવા લાગ્યો ‘સિદ્ધૂ મોરારજી દેસાઈની હિંદુ સરકારના એજન્ટ છે. તે કેનેડાના શીખોને ગેરમાર્ગે દોરે છે. અને તેણે ભારતમાં શીખો સાથે કેવી રીતે અન્યાય થઈ રહ્યો છે તે બોલવાનું શરૂ કર્યું’. જોકે હોટલમાંથી ચાર યુવાન શીખો કુલદિપને પકડીને બહાર લઈ ગયા અને મારા વક્તવ્યને લોકોએ સ્વીકાર્યું.”

આવી અનેક ઘટનાઓથી વિદેશમાં ખાલિસ્તાન માત્ર એક ષડયંત્ર બની રહ્યું તેવું જી.બી.એસ. સિદ્ધૂ સાબિતી આપે છે. તો બીજી તરફ જ્યારે તેઓ દેશમાં પાછા ફર્યા અને જેના કારણે અમૃતસરના સુવર્ણ મંદિરમાં બ્લ્યૂ સ્ટાર ઓપરેશન કરવું પડ્યું તે ભિંદરાનવાલેનું વર્ચસ્વ કેવી રીતે વધ્યું તે વિશે લખે છે કે, “1980માં પ્રકાશસિંઘ બાદલની આગેવાનીમાં શિરોમણી અકાલી દલ-જનતા દલના ગઠબંધનથી ચાલતી પંજાબ સરકારને બર્ખાસ્ત કરવામાં આવી. અને તે કારણે ફરી ચૂંટણી થઈ. ઇન્દિરા ગાંધીએ ઝૈલસિંઘના વિરોધી કહેવાતાં દરબારા સિંઘને પંજાબનું મુખ્યમંત્રી પદ આપ્યું. ઝૈલસિંઘ તે વખતે કેન્દ્રમાં ગૃહ પ્રધાન હતા, તેમ છતાં તેમને દરબારાસિંઘના કારણે અસુરક્ષા અનુભવી. અને તે કારણે પંજાબમાં અરાજકતા શરૂ થઈ. દરબારાસિંઘ જૂની કોંગ્રેસના આગેવાન હતા, જેઓ કોમી એખલાસને પ્રાધ્યાન આપતા, જ્યારે ઝૈલસિંઘ માટે પદ અગત્યનું હતું.”

જી.બી.એસ. સિદ્ધૂએ પંજાબની રાજનીતિ, સંપ્રદાયોના વિવાદ અને ગુરુદ્વારાઓ પર સત્તાના સંઘર્ષનો અહેવાલ આપીને ભિંદરાનવાલેના ઉદયનો મુદ્દા મૂક્યા છે. શીખ અને શીખોના જ એક ફાંટા નિરંકારીઓ વચ્ચે ખાસ્સું ઘર્ષણ થયું અને 1981માં ‘પંજાબ કેસરી’ અખબારના માલિક લાલા જગત નારાયણની પણ હત્યા કરવામાં આવી. લાલા જગત નારાયણ પોતાના છાપાંમાં શીખોની ટીકા કરી હતી અને ભિંદરાનવાલેને એમ લાગતું હતું કે લાલા જગત નારાયણ નિરંકારી તરફી વલણ લઈ રહ્યા છે. આ દરમિયાન પંજાબમાં ખાલિસ્તાનનો ચહેરો બનીને ભિંદરાનવાલે ઊભો થયો. ઘટનાક્રમ સુવર્ણમંદિરમાં બ્લ્યૂ સ્ટાર ઓપરેશનને યોગ્ય ઠેરવે તેવા બન્યા. જોકે અહીં સિદ્ધૂ લખે છે કે, “25 એપ્રિલ 1983ના રોજ જલંધર રેન્જના ડિઆઈજી ઓફ પોલીસ અવતાર સિંઘ અટવાલની સુવર્ણમંદિરના જ પગથિયે ગોળી મારીને હત્યા કરવામાં આવી. હત્યા બાદ કલાકો સુધી અવતાર સિંઘ અટવાલનો મૃતદેહ ત્યાં જ પડી રહ્યો. આ દરમિયાન પંજાબમાં કેટલીક એવી પણ ઘટના બની કે જેમાં હિંદુઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા. પછી ભિંદરાનવાલેએ સુવર્ણ મંદિરમાં કબજો કર્યો અને તે ત્યાં નિયમિત ભાષણ આપતો અને તેમાં હિંદુવિરોધી વાતો રહેતી. આ બધાની વચ્ચે ભિંદરનવાલે અને અકાલી દલ વચ્ચે પણ ઘર્ષણ ચાલી રહ્યું હતું અને તેમાં પણ એકબીજાના સમર્થકોને મારવાનો સિલસિલો ચાલતો હતો. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ સંવાદથી આ પૂરા મુદ્દાનું નિરાકરણ આવે તેવાં અનેક પ્રયાસ કર્યા હતા. એટલે અંતે સુવર્ણમંદિરમાં બ્લ્યૂસ્ટાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. અને તે માટે મેરઠ સ્થિત 9મી ડિવિઝન 30 મેના રોજ અમૃતસર પહોંચવાનો હૂકમ આપવામાં આવ્યો. આ ડિવિઝનને કમાન્ડ કરી રહેલા મેજર જનરલ કુલદિપસિંઘ બ્રાર હતા. તેઓ ક્લિનશેવ્ડ શીખ હતા, ભિંદરાનવાલેની જેમ ‘બ્રાર’ જ્ઞાતિથી આવતા હતા. 2 જૂનના રોજ ઇન્દિરા ગાંધીએ રેડિયો પર નિવેદન આપ્યું અને ફરી શાંતિની અપીલ કરી. આખરે સૈન્ય કાર્યવાહીનો દિવસ આવી ગયો. ‘બીબીસી’ના જાણીતા પત્રકાર માર્ક તુલી ભિંદરાનવાલેને 2 જૂનના રોજ અંતિમવાર મળ્યા. તુલી નોંધે છે કે, ‘સામાન્ય રીતે ભિંદરાનવાલે નિરાંતમાં દેખાય તેમ એ દિવસ નહોતો. હંમેશા વિદેશી પત્રકારોને મુલાકાત આપવા ઉત્સુક તેણે તુલીને કહ્યું ‘તમારે ઝડપથી કામ પતાવવું પડશે, મારે કેટલાંક બીજા અગત્યના કામો છે’ આ રીતે બ્લ્યૂ સ્ટાર ઓપરેશન શરૂ થયું અને ખાલિસ્તાન મૂવમેન્ટની વાતનો સફાયો થયો. સિદ્ધૂએ આ રોજબરોજનું રિપોર્ટિંગ પણ તેમના પુસ્તકમાં આપ્યું છે. અને તેઓ આ મૂવમેન્ટને મર્યાદિત વિસ્તાર અને લોકોની જ ગણાવી છે. પંજાબનું આ પ્રકરણ આજે ભુલાઈ ચૂક્યું છે અને આજે જેમ કાશ્મીર વિશે કોઈ ઉકેલ આવવાનું આપણને સંભવ નથી લાગતું, તેમ એક સમયે પંજાબ વિશે કહેવાતું. પરંતુ આજે પંજાબ સમૃદ્ધ રાજ્ય છે અને છેલ્લે તેઓ કિસાન આંદોલનમાં સરકાર સામે લડ્યા ત્યારે તેમની લડત અહિંસક રહી.

Share This Article