7 કરોડ યૂઝર્સના મોબાઈલ નંબર થઈ શકે છે બંધ

admin
1 Min Read

TRAI એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયાએ મોબાઈલ યૂઝર્સને પોતાના નંબર પોર્ટ કરાવવા માટેની ડેડલાઈન આપી દીધી છે. આ 7 કરોડ યૂઝર્સે પોતાનો નંબર 31 ઑક્ટોબર સુધીમાં પોર્ટ કરાવવો પડશે, જો તેઓ એવું નહીં કરે તો તેમનો નંબર હંમેશા માટે બંધ થઈ જશે. આ મામલો 2018માં બંધ થયેલી કંપની એરસેલ સાથે જોડાયેલો છે. 2018માં, રિલાયન્સ જિયો અને અન્ય ટેલિકૉમ કંપનીઓથી મળી રહેલા પડકારો બાદ એરસેલે પોતાની વાયરલેસ સર્વિસ બંધ કરી દીધી હતી. ફેબ્રુઆરી 2018માં એરસેલે પોતાની સર્વિસ સાવ બંધ કરી દીધી હતી. એ સમયે કંપનીના 9 કરોડ યૂઝર્સ હતા. ત્યારે TRAIએ એરસેલને યુનિક પૉર્ટિંગ કોડ આપવાનું કહ્યું હતું જેથી યૂઝર્સ તેમનો નંબર પૉર્ટ કરાવી શકે. 9 કરોડમાંથી 2 કરોડ યૂઝર્સે તેમના નંબર પૉર્ટ કરાવી લીધા હતા. પરંતુ 7 કરોડ યૂઝર્સ હજી પણ એવા છે કે જેમણે નંબર પૉર્ટ નથી કરાવ્યો. આવા યૂઝર્સ માટે TRAIએ 31 ઑક્ટોબર 2019 સુધીની ડેડલાઈન આપી છે. ફેબ્રુઆરીમાં જ્યારે એરસેલ બંધ થયું ત્યારે તેણે પોતાના યૂઝર્સને વેબસાઈટના માધ્યમથી નંબર પૉર્ટ કરવાનું કહ્યું હતું. જો કે હવે તે વેબસાઈટ કામ નથી કરતી. એવામાં યૂઝર્સે મેન્યુઅલી પોતાનો નંબર પૉર્ટ કરાવવો પડશે. જેના માટે UPC જનરેટ કરવો પડશે. જેની ડેડલાઈન 31 ઑક્ટોબર સુધી રાખવામાં આવી છે.

Share This Article