ખેડા – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવ્યા લોકો વચ્ચે

admin
2 Min Read

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નડિયાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળ તેમજ અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી. રાજપાલે આયુર્વેદ સંસ્થા ખાતે કુંદનબેન દિનશા પટેલ શૈક્ષણિક ભવનને ખુલ્લું મુક્યું હતું. રાજયપાલ આચાર્ય દેવવ્રતે નડિયાદ શહેરના માર્ગો પર જાતે જ જઇને નાગરિકોના ખબરઅંતર પૂછ્યા હતા. જેમાં એક માતાએ પોતાની દીકરી સાથે સેલ્ફી પણ લીધી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોઇપણ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ સિવાય શહેરના સંતરામ ચોકીથી પગપાળા ચાલીને એક નવતર પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો વચ્ચે જઇને માર્ગમાં ચાલતા અબાલ વૃદ્ધ સહિત નાગરીકોના ખબર અંતર પૂછયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડા સત્યાગ્રહના સાક્ષી રહેલા નડિયાદના ૧૧ર વર્ષ જૂના હિન્દુ અનાથ આશ્રમની પણ મુલાકાત લીધી હતી.

ખેડા સત્યાગ્રહના બીજ હિન્દુ અનાથ આશ્રમમાંથી રોપાયા હતા. આશ્રમમાં પૂ. મહાત્મા ગાંધીજી સરદાર સાહેબની સાથે રહ્યા હતા. આઝાદી આંદોલનનો પાયો ખેડા સત્યાગ્રહથી નંખાયો હતો. રાજયપાલે આશ્રમમાં સ્થિત પૂ. મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરી બંને મહાપુરૂષોની વંદના કરી હતી. રાજયપાલે આશ્રમમાં પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રના શિલ્પી સરદાર સાહેબનો જન્મ થયો હતો તે ઘરની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું પોરબંદરમાં આવેલું જન્મ ઘર કિર્તીમંદિર તરીકે સુખ્યાત છે. ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં પણ જેને બીજું કિર્તીમંદિર કહી શકાય એવા તીર્થસ્થળ સરદાર વલ્લભભાઇ પટેલના મોસાળનું ઘર જ્યાં ભારતના ઘડવૈયાનો જન્મ થયો હતો તેની આચાર્ય દેવવ્રતે મુલાકાત લીધી હતી. પૂ. મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરી હતી.

Share This Article