સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે દેશભરમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન ચાલી રહ્યું છે. તેવામાં પાટણ જિલ્લામાં કોરોના પોઝેટીવ કેસો ૨૬ થયા છે. ત્યારે વધુ ચાર દર્દીઓને ધારપુર જનરલ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોનાની સારવાર બાદ સરકારની માર્ગદર્શિકા મુજબ સ્વસ્થ જણાતાં નેદ્રા ગામની બે મહિલા, ભિલવણ ગામની એક મહિલા તથા ચાણસ્મા શહેરના એક પુરૂષને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
તેમને સરકાર તરફથી હેન્ડ સેનેટાઈઝરની બોટલ અને માસ્ક સહિતની વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામનાં અનુક્રમે ૫૪ અને ૨૬ વર્ષિય મહિલા, ભિલવણની ૬૫ વર્ષિય મહિલા તથા ચાણસ્મા શહેરના કોટાવડિયાપરા વિસ્તારના ૭૦ વર્ષિય પુરૂષને ધારપુર જનરલ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓમાં છેલ્લા ૧૦ દિવસથી કોઈપણ લક્ષણો ન જણાતા તથા છેલ્લા ત્રણ દિવસમાં તાવ આવ્યો ન હતો.