મહેસાણા : દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેને પાસપોર્ટ આપવા કરેલી માગણી સેશન્સ કોર્ટે ફગાવી

admin
1 Min Read

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને કોર્ટનો વધુ એક ફટકો પડ્યો છે. સાગરદાણ, બોનસ કૌભાંડ સહિતના કેસોની તપાસનો સામનો કરી રહેલા વિપુલ ચૌધરીએ પોતાના સંતાનોને અમેરિકા મળવા જવા પાસપોર્ટની કરેલી માગણીને અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટે ફગાવી છે.વિપુલ ચૌધરીએ અમેરિકા સ્થિત તેમના પુત્રની કોલેજની સેરેમનીમાં ભાગ લેવા, પુત્રને વધુ અભ્યાસ માટે એડમિશન મેળવવા તેમજ પુત્રીને મળવા માટે અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં પાસપોર્ટની માગણી કરી હતી. જેની સુનાવણી ચાલતાં સ્પે. સરકારી વકીલ વિજયભાઈ બારોટે સરકાર તરફે દલીલો કરી હતી, જેને ગ્રાહ્ય રાખી કોર્ટે પાસપોર્ટની માગણી નામંજૂર કરી હતી. સાગરદાણ કૌભાંડમાં વિપુલ ચૌધરીએ વિદેશ જવા કોર્ટ પાસે પરવાનગી માંગી હતી,

કોર્ટે પરવાનગી નહીં આપવા છતાં પણ નવો પાસપોર્ટ કઢાવી વિદેશ યાત્રા કરી હતી. આ તમામ બાબતો સરકારી વકીલે કોર્ટના ધ્યાને મૂકતાં કોર્ટે વિપુલ ચૌધરીની માગણીને નામંજૂર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સાગરદાણ કૌભાંડમાં મહેસાણાની કોર્ટે, બોનસ કૌભાંડમાં અમદાવાદની સીટી સિવિલ સેશન્સ કોર્ટે અને પાસપોર્ટ કૌભાંડમાં ગુજરાતની પ્રાદેશિક પાસપોર્ટ કચેરીએ વિપુલ ચૌધરીનો પાસપોર્ટ સરન્ડર કર્યો છે. તેના કારણે વિદેશ જવું હોય તો કોર્ટ પાસેથી પાસપોર્ટની માગણી કરવી પડે તેમ છે.દરમિયાન, સ્પેશિયલ સરકારી વકીલ વિજય બારોટે જણાવ્યંુ કે, સાગરદાણ કૌભાંડમાં વિપુલ ચૌધરીને મળેલા જામીન રદ થાય તે માટે હાઈકોર્ટમાં સરકારે અપીલ દાખલ કરી છે.

Share This Article