જામનગર-પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા સાંસદ પૂનમ માડમ

admin
1 Min Read

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અનેક ગામો અસરગ્રસ્ત થયા છે. ત્યારે આ ગામોની સાંસદ પૂનમબેન માડમે રૂબરૂ મુલાકાત લઇ લોક સંપર્કના માધ્યમથી ગ્રામીણ સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. તેમજ થયેલ નુકસાની તથા વળતર સહિતના પ્રશ્ને અધિકારીશ્રીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સાંસદશ્રીએ જામનગર જિલ્લાના જામનગર, ધ્રોલ તથા કાલાવડ તાલુકાના, અલીયા, મોટી બાણુગર, રામપર, ધુતારપર, ધુળસિયા તેમજ કાલાવડ ગામની મુલાકાત લઇ અહીં તાત્કાલિક ધોરણે પશુ, મકાન, ઘર વખરી, સંપતિ વગેરેની સર્વે અંગેની કામગીરી હાથ ધરવા, રોગચાળો ન ફેલાય તે માટે પશુઓના મૃતદેહો નિકાલ કરવા તેમજ દવાઓનો છંટકાવ કરવા, ગંદકી દૂર કરવા, ફૂડપેકેટ તથા પીવાના પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવા સહિતના મુદ્દે ઉપસ્થિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી તાકીદે ઉપરોક્ત બાબતો અમલમાં લાવવા સૂચન કર્યું હતું. સાંસદએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે જઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતુંકે, તાત્કાલિક ધોરણે સર્વે સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં શક્ય તમામ મદદ પુરી પાડવા કટિબદ્ધ છે. આ મુસીબતના સમયમાં એક પરિવાર બની આ મુશ્કેલીમાંથી બહાર નીકળશું. સરકાર હંમેશા લોકોની પડખે ઉભી છે તેમ જણાવી તમામ પ્રકારે મદદ રૂપ થવાની સાંસદશ્રીએ ગ્રામજનોને ખાતરી આપી હતી.

Share This Article