રાજકોટ: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકતા કેજરીવાલ

Subham Bhatt
2 Min Read

આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે શાસ્ત્રીમેદાન ખાતે એક સભાનું સંબોધન કર્યું હતું. આ તકે તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકયુ હતું. અને ભાજપ સરકાર પર શિક્ષણ, આરોગ્ય સહિતના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તો સાથે જ દિલ્હીમાં માત્ર 3 વર્ષમાં 50 હજાર વડીલોને તીર્થયાત્રા કરાવી હોવાનો દાવો કર્યો હતો. તેમજ માત્ર પાંચ વર્ષમાં દિલ્હીમાં સરકારી શાળાઓ – હોસ્પિટલની કાયાપાલટ કરી હોવાનો દાવો કરી 27 વર્ષમાં ભાજપે શુ કર્યું તેવો સવાલ ઉઠાવ્યો હતો. સાથે જ ગુજરાતમાં મુખ્યમંત્રી ગમે તે હોય સરકાર પાટીલ જ ચલાવતા હોવાનું કહ્યું હતું. કેજરીવાલે સી આર પાટીલ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, સાંભળ્યું છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી કોઇપણ હોય સરકાર તો પાટીલ જ ચલાવે છે. ત્યારે હું પાટીલને કહેવા માગું છું કે તમે તો 27 વર્ષમાં કોઈને યાત્રા નથી કરાવી પણ જો  અમારી સરકાર બનશે તો ગુજરાતના તમામ વડીલોને તીર્થયાત્રા કરાવીશું.

Kejriwal blows the trumpet of Gujarat Assembly elections

દિલ્હીમાં 7 વર્ષમાં કોઈ ખાનગી શાળાની ફી વધારવામાં આવી નથી. અને જો કોઈક શાળા આવી હિંમત કરે તો સરકાર તેને ટેકઓવર કરી લે છે. ત્યારે હું પાટીલને પૂછું છું કે 27 વર્ષમાં કેટલી શાળાઓ બનાવી ? રાજ્યમાં પેપર ફૂટવા મુદ્દે પાટીલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, પેપર ફૂટતા નથી રોકી શક્તા તો સરકાર કેમ ચલાવશો ? પાટીલે કહ્યું હતું કે કેજરીવાલ મહાઠગ છે. ત્યારે હું ગુજરાતનાં લોકોને પૂછું છું કે, કોઈ ઠગ લોકોના શિક્ષણ અને આરોગ્યની વાત કરે છે ? બાદમાં લોકોને પૂછ્યું હતું કે શું પાટીલ ઠગ છે? જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાથ ઉઠાવતા કહ્યું હતું કે, મીડિયા આ ઊંચા થયેલા હાથ બતાવી શકશે ? હાલ પરિવારનાં એક વ્યક્તિને બીમારી લાગુ પડે તેમાં લોકોના ઘર વેંચાય જાય છે. ત્યારે દિલ્હીમાં 2 કરોડ લોકોને તમામ ટેસ્ટ સહિતની સારવાર મફત આપવામાં આવી રહી છે. જેમાં ગમે તેટલો ખર્ચ થાય તે સરકાર ભોગવે છે. 5 વર્ષમાં જ દિલ્હીમાં 12 લાખ લોકોને રોજગાર આપ્યાનો અને આગામી 5 વર્ષમાં 20 લાખ લોકોને રોજગાર આપવામાં આવનાર હોવાનો દાવો પણ તેમણે કહ્યું હતું.

Share This Article