ભરૂચ-કોલીયાદ સ્થિત દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ

Subham Bhatt
1 Min Read

ભરૂચ જિલ્લાના પાલેજથી પાંચ કિમી ના અંતરે આવેલા કરજણ તાલુકાના કોલીયાદ સ્થિત સુપ્રસિધ્ધ હજરત કાશમશા રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર મોટી સંખ્યામાં ઉપસ્થિત અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. કોલીયાદ ગામમાં આવેલા હજરત પીર કાશમશા દાદા મદરસએ તાલીમુલ ઇસ્લામ પાસેથી કલા શરીફ સ્થિત હજરત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ હજરત સૈયદ વહિદ અલી બાવા સાહેબની હાજરીમાં સંદલ શરીફનું ઝુલુસ પ્રયાણ થયું હતું. સંદલ શરીફનું ઝુલુસ ગામના વિવિધ માર્ગો પરથી પસાર થઈ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. સંદલ શરીફનું ઝુલુસ સલાતો સલામના પઠન સાથે પસાર થયું હતું. જેમાં મોટી સંખ્યામા અનુયાયીઓ ઉમટી પડ્યા હતા.

Sandal Sharif's rites were performed at Dargah Sharif in Bharuch-Koliad

દરગાહ શરીફ પર પહોંચ્યા બાદ હજરત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના હસ્તે પરંપરાગત સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. ત્યારબાદ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફ ઝાકમઝોળ રોશનીથી  ઝળહળી ઉઠી હતી. અનુયાયીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી હતી. જેમાં હિંદુ સમાજના લોકો માટે પણ ભોજન બનાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને દરગાહ કમિટીના સંચાલકો તેમજ ગ્રામજનોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

Share This Article