“ભૂમિપૂજન અને વિજય સ્થંભ આરોહણ” સમારોહ યોજાયો

admin
1 Min Read

વિજયાદશમીના પવિત્ર દિવસે ઉમાનગરી ઊંઝા ખાતે મા ઉમિયાના સાનિધ્યમાં લક્ષચંડી મહાયજ્ઞને અનુલક્ષીને “ભૂમિપૂજન અને વિજય સ્થંભ આરોહણ” સમારોહ યોજવામાં આવ્યો. જેના સંદર્ભે મા ઉમાના નિજ મંદિરેથી સવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બગીમાં બિરાજમાન મહાયજ્ઞના તમામ મુખ્ય પાટલાના યજમાનો, દ્વિચક્રી વાહનો પર સવાર યુવતીઓ, માથે જવેરા સાથેનો કુંભ ઘડો મૂકેલ મહિલાઓ તેમજ પાટીદાર સમાજના અનેક શ્રેષ્ઠીઓની સાથે મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા.શોભાયાત્રા સ્વરૂપે ઉમિયા બાગ પહોંચ્યા બાદ મુખ્ય યજમાન એવા શ્રી ગોવિંદભાઈ ગણેશભાઈ પટેલ (સન હાર્ટ ગ્રુપ) ની ઉપસ્થિતિમાં શ્રી સિદ્ધિ ગ્રુપના મુકેશભાઈ કેશવલાલ પટેલ (ખોરજવાળા) ના હસ્તે પાઠશાળાનું ભૂમિપૂજન તેમજ ડાહ્યાભાઈ હરજીવનદાસ પટેલ (દેવગઢવાળા) ના હસ્તે પાઠશાળા વિજય સ્થંભનું આરોહણ મહાયજ્ઞના મુખ્ય આચાર્ય એવા શાસ્ત્રી શ્રી રાજેશ અનંતદેવ શુકલના મુખેથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું.ત્યાર બાદ ત્યાંથી નીકળી ઉમિયા નગર ખાતે શ્રી લલિતભાઈ બાબુભાઈ પટેલ (અમદાવાદ) દ્વારા યજ્ઞશાળા ભૂમિપૂજન તેમજ શ્રીમતિ રૂખીબેન કાશીરામદાસ પટેલ (રૂસાત) દ્વારા યજ્ઞશાળા વિજય સ્થંભ આરોહણ સંપન્ન કરવામાં આવ્યું હતું, જેમાં આસ્થાની અભિવ્યક્તિના અવસર એવા “મા ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞ ૨૦૧૯” ની સફળતા માટે મોટી સંખ્યામાં હાજર એવા યજમાનો, કાર્યકર્તાઓ તેમજ નગરજનોએ મા ઉમિયા સમક્ષ નમ્ર અરજ કરી હતી.

Share This Article