જામનગર : ડેન્ગ્યુનો હાહાકાર યથાવત

admin
1 Min Read

જામનગરની સરકારી જી.જી. હોસ્પીટલમાં ડેન્ગ્યુની બીમારીના દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો જાય છે. ગઈકાલે તાવની બીમારીના કારણે દાખલ થયેલા દર્દીઓ પૈકી વધુ ૪૮ દર્દીઓના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ડેન્ગ્યુની ઝપટે ચડેલા ૮ વિદ્યાર્થીઓ પૈકી બીજા વર્ષના ચાર તબીબી વિદ્યાર્થીઓને આજે હોસ્પીટલના બીછાને જ પોતાની પરિક્ષા આપી હતી. જામ્યુકોની આરોગ્ય વિભાગની ટીમ તેમજ એસ્ટેટ શાખાએ મચ્છરોની ઉત્પતી થતી હોય તેવા ગંદા પાણી ભરેલા એક નવા બાંધકામના સ્થળને સિલ કર્યું છે. જ્યારે બે મોટા કોમર્શીયલ કોમ્પ્લેક્ષને ૪૮ કલાકમાં સેલરમાં ભરાયેલા ગંદા પાણીનો નિકાલ કરવા નોટીસ પાઠવી છે. એસ.ટી. ડીવીઝનમાં પડેલા વિશાળ સંખ્યામાં ટાયરોના જથ્થામાં ભરાયેલા પાણીમાં મચ્છરોના ઉત્પતી સ્થાન મળતા એસટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર ધંધે લાગ્યું છે. મહાનગરપાલિકાની આરોગ્ય શાખા તેમજ રાજ્ય સરકારમાંથી આવેલા ડો. દિનકર રાવલ અને તેમની ટીમ દ્વારા એસ.ટી. ડીવી.માં તપાસ કરતા અંદાજે ૩૦૦થી વધુ વેસ્ટેજ ટાયરોના ઢગલામાં પાણી ભરેલા હતા અને તેમાં ડેન્ગ્યુના એડીસ મચ્છરોની ઉત્પતી પણ જોવા મળી હતી. જેથી એસટી તંત્ર ધંધે લાગ્યું હતું અને તમામ ટાયરોમાંથી ખાલી ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફોગીંગ તેમજ દવાઓનો છંટકાવ શરૂ કરાયો હતો.

 

Share This Article