પાટણ તાલુકાના ડેરગામનો ઠાકોર પરિવાર રિક્ષા લઇને પ્રસુતિ બાદ સારવાર લઇ રહેલી દિકરીના સમાચાર લેવા પાટણ જઇ રહ્યો હતો તે વખતે દિયોદરડા ગામના પાટીયા આગળ અલ્ટો ગાડી સાથે અકસ્માત થયો હતો. જેમાં રિક્ષામાં સવાર બન્ને ભાઇઓનું ઘટના સ્થળે કરૂણ મોત થયુ હતું. જયારે રિક્ષા ચાલક અને બન્ને દેરાણી-જેઠાણીને ઇજાઓ થઇ હતી.
પાટણ તાલુકાના ડેરગામે રહેતા ગોપાળજી ઠાકોર, કાકુજી ઠાકોર, રતનબેન ગોપાળજી ઠાકોર અને હેતીબેન કાકુજી ઠાકોર તેમની દિકરી શિલ્પાબેન ઠાકોર કે જેની દશેક દિવસ પહેલા ડીલીવરી થઇ હતી , તેના સમાચાર લેવા માટે રવિવારે નિકળ્યા હતા. સામેથી આવી રહેલી અલ્ટો ગાડી જીજે 24 એએફ 4125 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર બન્ને ભાઇઓને ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે મોત થયું હતું અને રિક્ષાના ચાલક અને મહિલા દેરાણી-જેઠાણીને ઇજાઓ થઇ હતી. જેમને તાત્કાલીક ખાનગી વાહનમાં ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અંગે મૃતકના દિકરાએ બાલીસણા પોલીસ મથકે અલ્ટો ગાડી જીજે એએફ 4125ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
