નંબર વિનાની રિક્ષામાં ફરી ચોરી કરતી ત્રિપુટી ઝબ્બે

admin
2 Min Read

સુરેન્દ્રનગરમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા હતા. ત્યારે એ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમે ત્રણ શખ્સોને ચોરીના રૂપિયા 13.50 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. પોલીસ સમક્ષ પોપટ બનીને એક પછી એક 11 ચોરી શહેરમાં કરાઇ હોવાની નીશાચરોએ કબૂલાત કરી હતી. સુરેન્દ્રનગરમાં અનડિટેકટ ચોરીના બનાવોના ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ કડક આદેશો કર્યા હતા. આ દરમિયાન ડીવાયએસપી એ.બી.વાળંદ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ કે.એચ.ત્રિવેદીના માર્ગદર્શન નીચે પીએસઆઇ સી.એચ.શુકલ, ધનરાજસિંહ વાઘેલા, વિજયસિંહ ડોડીયા સહિતની ટીમે સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી તરખાટ મચાવનારા તસ્કર ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગેંગના ત્રણ સભ્યોને રિક્ષા, અંદાજે 45 તોલા સોનુ, 15 તોલા ચાંદી અને 20 હજારથી વધુની રોકડ સહિત રૂપિયા 13.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જેમાં ગેંગનો મુખ્ય સૂત્રધાર ફિરદોષ સોસાયટીમાં રહેતો રિક્ષા ડ્રાઇવર ભરત ઉર્ફે કૂકો રાયસંગભાઇ સુરેલા છે. ભરત દિવસના સમયે રિક્ષા ફેરવતો અને બંધ ઘરની રેકી કરતો હતો. જેમાં રાત્રે ફરી જઇને ઘર બંધ છે કે કોઇ આવ્યા તેની તપાસ કરતો અને જો ઘર બંધ હોય તો સાથીદારો સાથે માત્ર ડિસમીસ અને કોશ લઇને ચોરીને અંજામ આપતો હતો. તેના બીજા સાથીદાર દીપક લાલજીભાઇ નાકીયાને પણ પોલીસે પકડી લીધો હતો. જયારે ત્રીજો શખ્સ 80 ફૂટના રોડ પર રહેતો અલ્પેશ પ્રવીણભાઇ આદેસરા છે. અલ્પેશ સોનીકામ કરે છે. અને ચોરીના મુદ્દામાલમાં આવેલ સોનુ ખરીદી તેના દાગીના બનાવી વેચતો હતો.

 

Share This Article