જળ શક્તિથી જળસંચયની અનોખી પહેલ

admin
2 Min Read

મહેસાણા જિલ્લામાં જળ શક્તિથી જળસંચયની અનોખી પહેલ જોવા મળી રહી છે. જેમાં શહેર નજીક આવેલા દેદીયાસણ GIDC વિસ્તારની એક શાળામાં રેન વોટર હારવેસ્ટિંગ પદ્ધતિથી 1 લાખ લિટર વરસાદી પાણી એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે ઉત્તર ગુજરાતમાં પ્રથમ કિસ્સો છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં નહિવત વરસાદ પડ્યો હોવાથી વરસાદે લોકોને પાણીનું મહત્વ સમજાવી દીધું છે. વરસાદથી અસરગ્રસ્ત રહેલા મહેસાણા જિલ્લામાં આખરે હવે સામાન્ય રહીશોથી લઈ ગામડાના ખેડૂત અને હવે શાળાના સંચાલકોએ જળસંચયનું આયોજન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મહેસાણા શહેરથી 5 કિલોમીટરના અંતરે રહેલા સરદાર ધામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ તક્ષશિલા નામની શાળામાં રેન વોટર હારવેસ્ટિંગ પદ્ધતિ પ્રમાણે માટલા આકારની ચાર સંગ્રહ ટાંકીઓ નિર્માણ કરવામાં આવી છે અને આ સંગ્રહ ટાંકીઓમાં શાળાની છત પર વરસતા વરસાદી પાણીનો પાઇપ થકી સંગ્રહ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે આ શાળાએ વોટર હારવેસ્ટિંગ પદ્ધતિથી 1 લાખ લીટર વરસાદી પાણી એકત્ર કરવાની પહેલ કરી છે. આ આયોજનમાં વરસાદના પ્રથમ પાણીને પહેલા પાઇપલાઇનથી જોડાણ કરી નાની કુંડીમાં ઉતારવામાં આવે છે, અને તેનો ખુલ્લા મેદાનમાં નિકાલ કરાય છે બાદમાં છત સંપૂર્ણ પણે જ્યારે સ્વચ્છ થઈ જાય છે. તે નાની કુંડીમાં એક ફિલ્ટર લગાવી તે પાણીને ગાળી અને ભૂગર્ભમાં બનાવેલ મહાકાય માટલા આકારની ટાંકીઓમાં સંગ્રહ કરાય છે. આમ વરસાદી પાણીનો વ્યય થતો અટકાવી અને ભૂગર્ભ ટાંકામાં સંગ્રહ કરતા શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીનું ઉત્તર ગુજરાતમાં પ્રથમ આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે મહેસાણાની તક્ષશીલા શાળાએ ઉત્તર ગુજરાતમાં રેન વોટર હારવેસ્ટિંગ પદ્ધતિથી વરસાદી પાણી એકઠું કરવા માટેની જે પહેલ કરી છે તે અન્ય શાળાઓ માટે પ્રેરણા રૂપ બની રહેશે.

Share This Article