અમદાવાદ : મનોદિવ્યાંગ બાળકોનું દિવાળી સેલિબ્રેશન

admin
2 Min Read

દિવાળી એટલે હર્ષ ઉલ્લાસનો તહેવાર, નવા વર્ષનું સ્વાગત અને જૂના વર્ષની વિદાયે વિવિધ ફટાકડા ફોડવા- મીઠાઈ ખાવી – ગિફ્ટ આપવી -સગા વ્હાલાઓને મળવું – ફરવા જવું જેવા કાર્યોથી શાળાઓમાં પડતું વેકેશન ક્યાં પૂરૂ થઈ જાય છે તેની જાણ બાળકોને થતી નથી. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે દિવાળી સેલિબ્રેશન નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ દિવાળી સેલિબ્રેશનની ખાસ વાત એ રહી હતી કે ટ્રસ્ટ દ્વારા 100 જેટલા મનોદિવ્યાંગ બાળકોને સોલા રોડ પર આવેલ બહુચર માતાના મંદિરના સાનિધ્યમાં લઈ જવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં બધા બાળકો એક સરખા લાલ રંગના કપડામાં જોવા મળ્યા હતા. જ્યાં બાળકોએ તારામંડળ પ્રગટાવી દિવાળી સેલિબ્રેશન કર્યુ હતું. તેમજ શિક્ષકો દ્વારા પણ અવનવા ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેને લઈ સમગ્ર વાતાવરણ ફટાકડાના અવાજ અને બાળકોના શોરે ગુંજી ઉઠ્યુ હતું. કાર્યક્રમના અંતમાં  દરેક બાળકને દિવાળી ગિફ્ટ તથા વોકેશનલ ગ્રુપના બાળકોને બોનસ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લાઈવ ઢોંસા-ઉતપમ્માના ભોજનનો બાળકોએ સ્વાદ માણ્યો હતો.

આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ સંવેદના અને લાયન્સ ક્લબ શાહીબાગનાં સભ્યો પણ જોડાયા હતા.જેમણે બાળકોને આપવામાં આવેલ ગિફ્ટ સ્પોન્સર કરી હતી. મહત્વનું છે કે,  ત્રણ મહિના પૂર્વથી સંસ્થાના વોકેશનલ ગ્રુપના બાળકો વિવિધ પ્રકારના દીવા બનાવતા હોય છે.તેના વેચાણ દ્વારા થતા નફામાંથી સંસ્થા બાળકોને બોનસ આપી,આ રીતે દિવાળી સેલિબ્રેશન કરે છે અને બાળકોના વેકેશનને આનંદિત બનાવી દે છે.

Share This Article