દેશમાં કોરોનાનો કહેર : સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા નવા પ્રોટોકોલ, આપી કેટલીક સલાહ

admin
1 Min Read

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોરોનાને લઈને કેટલીક સલાહ આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા લોકોને ચમનપ્રાશ ખાવાની સાથે સાથે યોગાસન અને પ્રાણાયામની સલાહ આપવામાં આવી છે. સાથે જ લોકોને વોકિંગ અને માસ્કના ઉપયોગની સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવા પણ જણાવ્યું છે.

મળતી માહિતી મુજબ કોરોનાના વધતા જતા સંક્રમણની ભયાનક સ્થિતિને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના દર્દીઓ અને કોરોનાથી સાજા થઈ ચુકેલા અન્ય લોકો માટે પ્રોટોકોલ સલાહ જાહેર કરી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે નવા જાહેર કરેલ પ્રોટોકોલમાં લોકોને પર્યાપ્ત માત્રામાં ગરમ પાણી પીવાની પણ સલાહ અપાઈ છે. સાથે જ આયુષ મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલી ઈમ્યૂનિટી વધારવાની દવાનું સેવન કરવા પણ જણાવાયું છે. તેમજ માસ્ક ફરજિયાત પહેરવાની સાથે સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગ પણ રાખવા માટે સલાહ અપાઈ છે.

આ ઉપરાંત રોજ સવાર અને સાંજે ગરમ દૂધમાં એક ચમચી હળદર નાખીને પીવા માટે પણ જણાવાયું છે. મહત્વનું છે કે, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 47 લાખની નજીક પહોંચી ગઈ છે. બીજી તરફ, સંક્રમણના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 77 હજારને પાર થઈ ગઈ છે. જોકે આ દરમિયાન રાહતની વાત એ છે કે કોવિડ-19 સંક્રમણનો સામનો કરી અત્યાર સુધીમાં 36 લાખ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે.

Share This Article