દાહોદ : મુખ્યમંત્રીએ કરાવ્યો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ

admin
1 Min Read

દાહોદના અંતેલાથી પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો મુખ્યમંત્રી વિજય રુપાણીએ પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી ‘સેવા સેતુ’ કાર્યક્રમનો વનબંધુ વિસ્તાર દાહોદના ગ્રામીણ ક્ષેત્ર અંતેલાથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સેવા સેતુનો આ ઉપક્રમ સામાન્ય-નાના માણસ માટે મોટો કાર્યક્રમ બની ગયો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગરીબ, વંચિત, પીડિત, દલિત, ગ્રામીણ, ખેડૂત જેવા સાવ સામાન્ય વર્ગોને પોતાના નાના-નાના કામો માટે વતન-ગામથી દૂર સરકારી કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે તેવા સંવેદનશીલ અભિગમથી આ સેવા સેતુ દ્વારા સરકાર સ્વયં પ્રજાને દ્વાર આવી છે. વિજય રૂપાણીએ કહ્યું કે, સેવા સેતુના અત્યાર સુધીમાં રાજ્યમાં જે ચાર તબક્કાઓ યોજવામાં આવ્યા છે તેને પ્રચંડ સફળતા મળી છે. મુખ્યમંત્રીએ દાહોદ જિલ્લાનો સર્વાંગી વિકાસ કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે, દાહોદ જિલ્લાના નાગરિકોને રોજગારી માટે સ્થળાંતર ના કરવું પડે તે માટે રાજ્ય સરકાર વિવિધ પગલાં લઇ રહી છે. કૌશલ્ય વિકાસ, સિંચાઇ માટે પાણી, આરોગ્યની બહેતર સુવિધાઓ આપવામાં આવી રહી છે. સેવા સેતુ કાર્યક્રમના ૧૫ લાભાર્થીઓને તેને મળવાપાત્ર લાભ-સહાયનું મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ અહીં મુખ્યમંત્રીનું વિવિધ સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Share This Article