ડોનાલ્ડ ટ્રમ્પ ફર્સ્ટ લેડી સાથે પહોંચ્યા અમદાવાદ, ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમમાં ફાળવ્યો સમય

admin
2 Min Read

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ગુજરાતના અમદાવાદના મહેમાન બન્યા હતા. આ દરમિયાન તેમની સાથે ઈંવાકા ટ્રમ્પ તેમજ યુએસ ડેલીગેશન હાજર રહ્યું હતું.

અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ  પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું.  ભારત પ્રવાસના પહેલા દિવસે તેમના અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે કેમિસ્ટ્રી જોવા મળી હતી.

બન્ને નેતા 5 મહિના પહેલા હાઉડી મોદી કાર્યક્રમમાં મળ્યા હતા અને આ વખતે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા.ટ્રમ્પનું પ્લેન એરફોર્સ વન સોમવારે સવારે 11.36 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યું હતું. અહીં PM મોદીએ તેમનું સ્વાગત કર્યું. ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ત્રણ કલાક સુધી અમદાવાદમાં રહ્યા. આ ત્રણ કલાકમાં મોદી-ટ્રમ્પ 5 વખત ભેટ્યા અને 9 વખત હાથ મિલાવ્યો હતો.

ટ્રમ્પ સવારે 11.58 કલાકે પ્લેનમાંથી નીચે ઉતર્યા હતા જ્યાં લાલ જાજમ બિછાવી તેમનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ રોડ-શોમાં ભાગ લઈને ટ્રમ્પ-મેલેનિયા 12.28 કલાકે ગાંધીઆશ્રમ પહોંચ્યા હતા અને ત્યાં 11 મિનિટ જેટલો સમય વીતાવી સ્ટેડિયમ રવાના થયા હતા.

સ્ટેડિયમમાં 1.28 કલાકે આગમન બાદ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ શરૂ થયો હતો. મોદીએ પહેલા તબક્કામાં 11 મિનિટ અને બીજા તબક્કામાં 11 મિનિટ મળી કુલ 22 મિનિટ પ્રવચન કર્યું હતું. જ્યારે ટ્રમ્પે 1.55 કલાકે પ્રવચન શરૂ કર્યું હતું જે બપોરે 2.22 કલાકે પૂર્ણ થયું હતું.

ગુજરાતના લોકો જાણે પોતાના ઘરનો પ્રસંગ રંગચંગે સમાપન થયો હોય તેવો ભાવ અનુભવી રહ્યા છે. આનંદ અને ગર્વની વાત એ રહી કે આવું મહાઆયોજન ગુજરાતની ધરતી પર શાંતિપૂર્વક પાર પડ્યું.

આમ ગુજરાતની વૈશ્વિક ઓળખ શાંતિ અને સમૃદ્ધિના પ્રતિક તરીકે થઈ રહી છે. ગુજરાતે ઘર આંગણે નમસ્તે ટ્રંપના ભગીરથ આયોજને શાંતિ અને શિસ્ત પૂર્વક યોજીને પોતાની ઓળખ બરકરાર રાખી છે.

Share This Article