ગુજરાતમાં કેસર કેરીની સીઝનનો અંત

admin
2 Min Read

જો આ વર્ષે તમે હજુ સુધી મન ભરીને કેસર કેરીનો સ્વાદ ન માણી શક્યા હોય તો તમારા માટે હજુ એક વધુ ખરાબ સમાચાર છે. ગીર-સોમનાથ, જુનાગઢ અને અમરેલી ત્રણ મુખ્ય કેસર કેરી પકવતા જિલ્લાના ખેડૂતોએ આ વર્ષની સીઝન ખતમ થવાની જાહેરાત કરી છે, જે ગત વર્ષની સરખામણીએ 25 દિવસ પહેલા છે.

માર્કેટમાં હાલ કેસર કેરીનો જે સ્ટોક પડ્યો છે તે ત્રણ અઠવાડિયા સુધી માંડ ચાલશે. આ વર્ષે કેરીની સીઝન વરસી રહેલા અવિરત વરસાદ અને ભારે પવનોના કારણે ખેડૂતો માટે મુશ્કેલ ભરી રહી.ફળોના રાજા માટે આ સીઝન ડબલ ઝટકા સમાન રહી. પહેલા તો આ વર્ષે સીઝન મોડી આવી, બાદમાં લોકડાઉન અને ખરાબ હવામાનની અસરના પરિણામે સીઝન વહેલા બંધ કરવી પડી.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસાનું વહેલું આગમન પણ તેના માટે જવાબદાર છે.આ સીઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 48 હજાર હેક્ટર વિસ્તારમાં કેસર કેરીનું ઉત્પાદન કરાયું હતું. કેસર કેરીની હરાજીના સૌથી મોટા સેન્ટર તલાલા AMPCમાં પણ કેરીના બોક્સ આવવાનું ઓછું થઈ ગયું છે.

APMCના સેક્રેટરી એચ.એચ ગરાસનિયાએ કહ્યું, આ વર્ષે હરાજી 10 દિવસ મોડી શરૂ થઈ હતી. શરૂઆતમાં અમને રોજના 40,000થી 45,000 બોક્સની આવક થતી હતી. પરંતુ હવે આ સંખ્યા ઘટીને 11,000 સુધી પહોંચી ગઈ છે.

જ્યારે અમરેલીના ધારી તાલુકામાં કેરી પકવતા ખેડૂત ઉકા ભટ્ટીએ જણાવ્યું હતું કે, ગત અઠવાડિયે આવેલા વાવાઝોડામાં પાકને નુકસાન થતું બચાવવા માટે ઘણા ખેડૂતોએ કાચી કેરી ઉતારી લીધી હતી. ખેડૂતોને વેપારીઓ પાસેથી સારા ભાવ મળ્યા છે. આ હવે તેમના પર છે કે કેરીનો સ્ટોક કેવી રીતે ખાલી કરવો. જોકે અમે સીઝનના અંતની જાહેરાત કરી દીધી છે.

Share This Article