જૂના જીન્સનો ત્રણ યુવાઓએ કર્યો ગરીબ બાળકો માટે ઉપયોગ

admin
2 Min Read

આપણા ઘરમાં ઘણી બધી વસ્તુઓ જુની હોય છે જેને આપણે કામની ન હોવાનું સમજી ફેંકી દેતા હોય છે. જોકે દરેક વ્યક્તિ એવુ નથી કરતો. આ દુનિયામાં કેટલાક ક્રિએટિવ લોકો પણ છે. જે પોતાની કળાથી જુની વસ્તુઓને નવી લાઈફ આપવાનું જાણે છે તો એ વસ્તુઓનો અન્ય જરુરીયાતમંદ લોકો સુધી પહોંચાડતા પણ હોય છે.

આપણા દેશમાં આજે પણ ઘણા બાળકો કેટલીક પાયાની સુવિધાઓથી વંચિત છે. ત્યારે આવા બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે ત્રણ મિત્રોએ મળીને શરુ કરેલું સ્ટાર્ટઅપ સોલક્રાફ્ટ.

આ સંસ્થા છેલ્લા બે વર્ષથી જૂના જીન્સમાંથી બેગ, ચપ્પલ, પેન્સિલ બોક્સ જેવી વસ્તુઓ બનાવીને પાયાની સુવિધાઓથી વંચિત રહી ગયેલા ગરીબ બાળકોને વહેંચે છે. મૃણાલિની રાજપુરોહિત, અતુલ મહેતા અને નિખિલ ગેહલોત ત્રણેએ મળીને એવું સ્ટાર્ટઅપ કરવાનું વિચાર્યું કે જે ગરીબ અને જરૂરતમંદ બાળકો માટે કામ કરે.

તેમણે જૂના જીન્સ, ડેનિમમાંથી બાળકો માટે સ્કૂલ સામગ્રી બનાવવા વિચાર્યું અને સૌથી પહેલા જૂના ડેનિમમાંથી કેટલાક બેગ્સ, ચપ્પલ,જૂત્તા અને પેન્સિલબોક્સ બનાવ્યા. આ મિત્રોએ લોકોની મદદથી આર્થિક ભંડોળ ભેગું કરીને સરકારી સ્કૂલોમાં આ વસ્તુઓ આપવાનું શરુ કર્યું.

પછી વિચાર કર્યો કે આ કામને મોટા પાયા પર લઇ જવા માટે એક સ્ટાર્ટઅપ બનાવીને કંપનીની શરૂઆત કરવામાં આવે અને આ કામને CSRની મદદથી આગળ વધારવામાં આવે. અત્યાર સુધીમાં ડોનેશન અને બીજા માધ્યમો દ્વારા હજારો બાળકોને સોલક્રાફ્ટના ઉત્પાદનો પહોંચાડવામાં આવ્યા છે. સોલક્રાફ્ટ જરૂરતમંદ બાળકો સુધી વસ્તુઓ પહોંચાડવા સિવાય લોકોને રોજગારી આપવાનું કામ પણ કર્યું છે. અત્યાર સુધીમાં અનેક કારીગરો સોલક્રાફ્ટ સાથે જોડાઈને દર મહિને સ્વરોજગાર કમાય છે.

Share This Article