સરકારી કંપનીઓનો ચીનને ઝટકો, હવે ક્રૂડ ઓઈલની ખરીદી અટકાવી

admin
2 Min Read

ભારત દ્વારા ચીની એપ્લિકેશન પર લગાવવામાં આવેલ પ્રતિબંધો બાદ કેન્દ્ર સરકાર ચીન સામે એક બાદ એક કડક નિર્ણયો લઈ રહી છે. ત્યારે આ દિશામાં સરકારે વધુ એક મોટુ પગલું લેતા ભારતીય ઓઈલ કંપનીઓએ ચીની કંપનીઓ પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી અટકાવી દીધી છે.

સરકારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ પગલુ લીધુ છે, જેનો હેતુ ભારતની સરહદવાળા દેશોની આયાત પર પ્રતિબંધ મૂકવાનો છે. સુત્રોના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા દેશની સરહદ સાથે જોડાયેલા અન્ય દેશો સાથેના વેપારના નીતિનિયમો કડક કર્યા બાદ સરકારી ઓઇલ કંપનીઓએ પોતાના ઇમ્પોર્ટ ટેન્ડરની શરતોમાં નવી જોગવાઇઓ ઉમેરી દીધી છે જેનાથી ચીનની કંપનીઓ પાસેથી ક્રૂડની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે.

છેલ્લા સપ્તાહે ભારતીય ઓઇલ કંપનીઓએ ચીનની ટ્રેડિંગ કંપનીઓ જેવી CNOOC, Unipec, PetroChinaને ક્રૂડના ઇમ્પોર્ટ ટેન્ડર મોકલવાનું બંધ કરી દીધુ છે. જોકે આ નિર્ણયથી ઓઈલ કંપનીઓના વેપાર પર કોઈ વધુ પ્રભાવ નહીં પડે કારણકે આવા જહાજોમાં ચીની જહાજોની સંખ્યા ખૂબ જ ઓછી છે. આપને જણાવી દઈએ કે, સરકારે ચીનની સાથે થયેલા સંઘર્ષ બાદ નવા નિયમોની જાહેરાત કરી હતી જે મુજબ દેશની સરહદ સાથે જોડાયેલા દેશોની કંપનીઓએ ભારતમાં મૂડીરોકાણ કે વેપાર કરવા માટે સૌપ્રથમ સરકાર પાસેથી પરવાનગી મેળવવી પડશે. આ નિયમોમાં કોઇ દેશના નામનો ઉલ્લેખ કરાયો નથી. જોકે ભારતની સરહદો ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાંર, નેપાળ અને ભૂટાન સાથે જોડાયેલી છે. અલબત આ નિર્ણયની સૌથી વધારે અસર ચીનની કંપનીઓને થઇ છે.

Share This Article