ગુજરાત : દક્ષિણ ગુજરાત 3 દિવસ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

admin
1 Min Read

વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. પરંતુ હવે ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં અષાઢ માસના પ્રથમ દિવસે ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે અનેક તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો હતો. લોપ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશનને સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. અને રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા આજે મન મૂકીને વરસ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત 3 દિવસ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવાઈ છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 70 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. તે ઉપરાંત આજે સવારે ગીર સોમનાથમાં વેરાવળમાં 2 મીમી, સુત્રાપાડામાં 3 મીમી અને સાબરકાંઠાના વિજયનગરમાં 2 મીમી વરસાદ થયો છે.જ્યારે રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો 20.09 ટકા વરસાદ નોંધાયો છે.

Share This Article