ભારતમાં એક દિવસમાં રેકોર્ડ 5 લાખથી વધુ કોરોના ટેસ્ટ, ટેસ્ટની સંખ્યામાં કરાયો વધારો

admin
2 Min Read

દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રોજ લગભગ 40 હજારની આસપાસ કેસ સામે આવી રહ્યા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યુ છે. ત્યારે ભારતમાં પ્રથમ વખત એક જ દિવસમાં 5 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ટેસ્ટિંગ લેબોરેટરીની સંખ્યામાં વધારો થવાના કારણે આટલા ટેસ્ટ શક્ય બન્યા છે.

(File Pic)

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આધારે રવિવારે દેશમાં 5 લાખ 15 હજારથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધી દેશમાં 1 કરોડ 68 હજારથી વધારે ટેસ્ટ થયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી રોજના 4 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

(File Pic)

દેશમાં સતત વધતા કોરોનાના સંક્રમણને લઈને ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરાયો છે. દેશમાં અત્યારે 1300થી વધારે ટેસ્ટિંગ લેબ છે. જેમાં 900થી વધારે સરકારી અને અન્ય 400 પ્રાઈવેટ લેબ છે. તેમાં અનેક ટેસ્ટ કરવામાં આવે છે. આ સાથે અહીં એંટીજન ટેસ્ટિંગ અને RT-PCR ટેસ્ટ પણ કરાય છે. મહત્વનું છે કે, ગત રોજ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ લગભગ 71 હજાર કોરોનાના ટેસ્ટ કરાયા હતા. યોગી આદિત્યનાથના આદેશ અનુસાર ઉ.પ્રદેશમાં રોજ 1 લાખ ટેસ્ટ કરાશે. આપને જણાવી દઈએ કે, કુલ ટેસ્ટિંગની સરખામણીએ દેશમાં તમિલનાડુ સૌથી આગળ છે. અહીં લગભગ 22 લાખ ટેસ્ટ થઈ ચૂક્યા છે. જ્યારે યૂપી અને મહારાષ્ટ્રમાં પણ 20 લાખ ટેસ્ટ થયા છે. ICMRએ અત્યાર સુધી 5 લાખ રોજના ટેસ્ટનો રેકોર્ડ બનાવ્યો છે અને આવનારું લક્ષ્ય રોજના 10 લાખ ટેસ્ટનું છે.

Share This Article