કોરોના મહામારી વચ્ચે ભારતની વેક્સીને કર્યો કમાલ

admin
2 Min Read

ભારત બાયોટેકની કોરોના વાયરસ વેક્સીન કોવેક્સિનને લઈ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સિનનું પ્રાણીઓ પર ટ્રાયલ સફળ રહ્યું છે. કંપનીએ આ અંગે જાહેરાત કરી હતી કે કોવેક્સિને વાંદરામાં વાયરસના પ્રત્યે એન્ટીબોડી વિકસીત કરી છે. એટલે કે લેબ ઉપરાંત સજીવ શરીરમાં પણ આ વેક્સીન કામ કરી રહી છે એ સાબિત થયું છે. ભારત બાયોટેકે કહ્યું છે કે ટ્રાયલના પરિણામોમાં લાઇવ વાયરલ ચેલન્જ મૉડલમાં વેક્સીને સુરક્ષિત પ્રભાવ બતાવ્યો છે.

હૈદરાબાદ સ્થિત ફર્મ તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, ભારત બાયોટેક ગર્વ સાથે COVAXINના પ્રાણીઓ પર કરવામાં આવેલા પરીક્ષણોનું પરીણામ જાહેર કરી રહી છે. આ પરિણામ લાઇવ વાયરલ ચેલેન્જ મૉડલમાં વેક્સીનની અસર બતાવે છે. ભારત બાયોટેક તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વાંદરાઓ પર કરવામાં આવેલા પરીક્ષણથી વેક્સીનની પ્રતિરક્ષા વિશે માહિતી મળે છે. ભારત બાયોટેક તરફથી મુલાટા પ્રજાતિના ખાસ વાંદરાને આ વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો.

કંપનીએ જણાવ્યું કે ગત દિવસોમાં હ્યૂમન ટ્રાયલનો પ્રથમ તબક્કો પણ પૂર્ણ કર્યો છે. હવે બીજા તબક્કા માટે DCGI પાસેથી મંજૂરી માંગવામાં આવી છે. ત્યારે થોડા દિવસોની અંદર બીજા તબક્કાનું પણ ટ્રાયલ શરુ થઈ જશે.

મહત્વનું છે કે, ભારતમાં હાલ ત્રણ અલગ અલગ વેક્સીન પર ટ્રાયલ ચાલી રહ્યા છે. જેમાં ગુજરાતની કંપની ઝાયડસ કેડિલા હેલ્થકેર લિમિટેડ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ પૂણેમાં બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગયું છે. તો સીરમ ઇન્સ્ટિટ્યૂટ બ્રિટેનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી તૈયાર કરવામાં આવેલી વેક્સીનનું ભારતમાં ટ્રાયલ કરી રહી છે.

Share This Article