પડોશી મિત્રો સાથે થયેલા ઝઘડા સંબધે થયેલી અરજીમાં અટકાયતી પગલાંના ભાગરૂપે મારઝૂડ નહી કરવાના રૂ. 10 હજારની લાંચ લેતા મહેસાણા સરોવર ચોકીના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામ સોનારા ગુરૂવારે મહેસાણા એસીબીએ ગોઠવેલા છટકામાં ઝડપાઇ ગયો હતો. પો.કોન્સ્ટેબલ ઝડપાવાના પગલે જિલ્લા પોલીસ બેડામાં સોંપો પડી ગયો હતો. મહેસાણામાં રહેતા યુવાન અને તેના મિત્રોને પડોશી સાથે થોડા સમય પહેલા ઝઘડો થયો હતો અને યુવાન સામે થયેલી અરજીની તપાસ સરોવર ચોકીમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઇ ભીખાભાઇ સોનારા કરતા હતા. આ કેસમાં સીઆરપીસી 151 અંતર્ગત યુવાન સામે અટકાયતી પગલાં ભરવાના હોઇ હેકો.ઘનશ્યામભાઇએ તેને બોલાવી મારઝૂડ ના કરવા પેટે રૂ. 10હજારની માંગણી કરી હતી. જોકે, યુવાન લાંચ આપવા માંગતો ન હોઇ મહેસાણા એસીબીમાં ફરિયાદ આપી હતી. જેને પગલે મહેસાણા એસીબી પીઆઇ બી.કે.ચૌધરીએ ગુરૂવારે ટ્રેપ ગોઠવી હતી. જેમાં સરોવર ચોકી પહોંચેલા યુવાને લાંચ પેટે આપેલા રૂ. 10 હજાર હેકો.ઘનશ્યામભાઇએ સ્વીકારતાની સાથે જ નજીકમાં હાજર એસીબી સ્ટાફે તેને ઝડપી લીધો હતો. આ અંગે મહેસાણા એસીબીએ ગુનો નોંધ્યો હતો.
- Advertisement -
Latest News
- Advertisement -