ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2010 અને તે પછી કરવામાં આવેલ પ્રાથમિક શાળામાં ભરતી કરાયેલ શિક્ષકોને 4200 ગ્રેડ પેના બદલે ૨૮૦૦ ગ્રેડ પે આપવાનો નિર્ણય કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં સરકારના નિર્ણય સામે પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિરોધ દર્શાવ્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં જ બેનરોથી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. જેને લઈ પાટણ જિલ્લામાં પણ ઠેર-ઠેર શિક્ષકો દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં ગ્રેડ પેના વિસંગતા મુદ્દે સરકાર વિરુદ્ધમાં બેનર દર્શાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને યોગ્ય ઉકેલ નહિ આવે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચરવામાં આવી છે. મહત્વનું છે કે, શિક્ષણ વિભાગે વર્ષ 2010 પછી તબક્કાવાર રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં અંદાજે 56000 વિદ્યાસહાયકોની ભરતી કરી છે. શિક્ષકોની નોકરીના નવ, વીસ અને 31 વર્ષે ઉચ્ચત્તર પગારધોરણનો લાભ મળે છે. આથી વર્ષ 2010 પછી ભરતી થયેલા વિદ્યાસહાયકોને પ્રથમ નવ વર્ષનો ઉચ્ચત્તર પગારધોરણનો ગ્રેડ પે 4200 મળવાપાત્ર છે. પરંતું રાજ્યના શિક્ષણ વિભાગે મનસ્વી રીતે ગ્રેડ પે 2800 કરી દીધો હોવાનો આક્ષેપ શિક્ષકોએ કર્યો છે. ગ્રેડ પે 4200 થી ઘટાડીને 2800 કરી દેવાતા વર્ષ 2010 પછી ભરતી થયેલા તમામ શિક્ષકોને દર મહિને પગારમાં રૂપિયા 7 થી 8 હજારનું આર્થિક નુકશાન થઇ રહ્યું હોવાનું શિક્ષકોએ જણાવ્યું છે. શિક્ષકોને નોકરી દરમિયાન પ્રમોશન જેવો કોઇ જ લાભ મળતો નથી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -