મેઘમહેરથી ખેડૂતોમાં આનંદ

admin
2 Min Read

હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આપવામાં આવેલ ભારે વરસાદની આગાહીને પગલે પાટણ જિલ્લામાં ગુરુવારની રાત્રિથી જ મેઘરાજાની પધરામણી શરૂ થઈ ગઈ હતી અને શુક્રવાર બપોર સુધી સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. તેમજ અગાઉ વાવવામાં આવેલ ચોમાસુ પાકોને આ વરસાદથી જીવતદાન મળી ગયુ છે. પાટણ જિલ્લામાં ગતરોજ પડેલ વરસાદમાં સરસ્વતી તાલુકામાં સવા પાંચ ઇંચ, હારીજ તાલુકામાં સાડા ચાર ઈંચ,પાટણમાં ચાર ઇંચ અને સમીમાં અઢી ઇંચ વરસાદ વરસતા આ તાલુકાના વિસ્તારો પાણીથી તરબોળ બની જવા પામ્યા હતા. તેમજ સારા વરસાદના પગલે અગાઉ તાલુકામાં ખેડૂતો વાવણી કરી શક્યા ન હતા તેમને વાવણી કરવાની તક મળશે.પાટણ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ભારે વરસાદની આગાહી બાદ ગતરોજ રાત્રિથી પાટણ જિલ્લાના ૭ તાલુકામાં છુટો-છવાયો વરસાદ શરૂ થયો હતો અને આજે સવારથી મેઘરાજા જાણે જિલ્લાના ખેડૂતો પર મહેરબાન થઈ ગયા હોય તેમ મન ભરીને વરસાવવાનું શરૂ કરતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાવાપામ્યો હતો. જેમાં સરસ્વતી તાલુકામાં આ વર્ષની ચોમાસાની સિઝનનો સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ હારીજ તાલુકામાં સાડા ચાર ઇંચ, પાટણ તાલુકામાં ચાર ઇંચ, જ્યારે સિદ્ધપુર તાલુકામાં સવા ઇંચ, ચાણસ્મા તાલુકામાં પોણો ઇંચ , સમી તાલુકામાં અઢી ઇંચ, શંખેશ્વર તાલુકામાં પોણા બે ઇંચ, રાધનપુર તાલુકામાં સવા ઇંચ અને સાંતલપુર તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો હતો.જિલ્લામાં ગતરોજ પાટણ સરસ્વતી, હારીજ, સમી, શંખેશ્વર તાલુકામાં પડેલા સારા વરસાદના પગલે ખેડૂતોના ખેતરોમાં પાણીની રેલમછેલ થઈ જવા પામી હતી. જેને લઇ ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. તેમજ અગાઉ ઓછા વરસાદ વચ્ચે જે ખેતીપાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું તે પાકોને જીવતદાન મળી જવા પામ્યું છે. સારા વરસાદના પગલે જે વિસ્તારોમાં વાવેતર થઇ શક્યા ન હતા ત્યારે નવા વાવેતર થઈ શકશે તેમ ખેતીવાડી ખાતાના સુત્રોએ જણાવ્યું હતું.જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવાની સમસ્યાઓ પણ સર્જાવા પામી હતી. પરંતુ સમસ્યાઓ કરતા મેઘરાજા લોકો માટે મન ભરીને વરસ્યા છે તેને લઇ ખેડૂતોમાં અનેરો ઉમંગ જોવા મળ્યો હતો.

Share This Article