રાજકોટ : રેસકોર્સના બગીચામાં 4 ઝેરી કોબ્રા સાપ જોવા મળ્યાં, લોકોમાં નાસભાગ મચી

admin
2 Min Read

હાલમાં અસહ્ય ગરમી અને બફારો થઈ રહ્યો છે. ત્યારે રેસકોર્ષ ગાર્ડન અને સ્ટેડિયમમાં માત્ર અડધી કલાકમાં ચાર જેટલા નાના-મોટા કોબ્રા પ્રજાતિના સાપ આંટા મારતા જોવા મળ્યા હતા. ગાર્ડનમાં વોકિંગ માટે અને બગીચામાં પરિવારના નાના-મોટા બાળકો સાથે હરવા-ફરવા આવતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. હાલમાં સ્ટેડિયમમાં બાળકોનો ક્રિકેટ કોચિંગનો કેમ્પ ચાલી રહ્યો છે. ત્યારે બાળકોમાં પણ ભયની લાગણી સાથે દોડધામ મચી ગઈ હતી. આથી સામાજિક કાર્યકરે રેસ્ક્યૂ કરી અડધા કલાકમાં જ ચાર ઝેરી કોબ્રા સાપ પકડ્યા હતા. સ્ટેડિયમના દરવાજા પાસે તેમજ ગાર્ડનમાં વોકિંગ ટ્રેક ઉપર અચાનક એક પછી એક એમ ચાર જેટલા કોબ્રા પ્રજાતિના ઝેરી સાપ નીકળતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. એકબાજુ વોકિંગ ટ્રેક ઉપર અમુક જગ્યાએ લાઈટો બંધ છે અને જ્યાં છે

ત્યાં લાઈટની આજુબાજુ ઝાડની ડાળીઓ મોટી થઈને આડી આવી ગઈ હોવાથી લાઈટનો પ્રકાશ ફેલાતો નથી. અમુક જગ્યાએ ઘોર અંધારૂ હોય છે. તેવા સંજોગોમાં આ રીતે ઝેરી સાપ અચાનક જ અસહ્ય ગરમીના કારણે આવી ચડતા ભયનો માહોલ સર્જાયો હતો. નિયમીતપણે વોકિંગ કરવા આવતા મુન્નાભાઈ નામના એક સામાજિક કાર્યકરે આ ચારેય ઝેરી સાપને બોટલમાં નાખી પકડી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મુન્નાભાઈના કહેવા મુજબ આ સાપ કોબ્રા પ્રજાતિના અત્યંત ઝેરી સાપના બચ્ચા છે. ઉલ્લેખનીય છે કે રજાના દિવસે રેસકોર્સમાં મોટી સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે. ત્યારે લોકોએ ફરવા આવે તો સાવચેતી રાખવી જરૂરી છે.

Share This Article