રાજકોટ : સીવીલ હોસ્પિટલના બાળરોગ વિભાગની યશકલગીમાં ઉમેરાયું “સ્વર્ણ પિચ્છ”

admin
2 Min Read

કોરોના સંક્રમણનો ભોગ બનેલા નાના ભુલકાને ઉગારવા માટે રાજકોટની સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગના ડોક્ટરો અને નર્સો રાત-દિવસ જોયા વગર ૨૪X૭ ના ધોરણે દેશના ભાવી નાગરીકોને બચાવવાની આદર્શ કામગીરી બજાવી રહ્યા છે.આ કામગીરી અંગે પીડીયાટ્રીક ડો. ચેતન ભલગામિયા જણાવે છે કે, સામાન્ય રીતે બાળકના જન્મ સમયના રૂદનને “ફર્સ્ટ ક્રાય” કહેવામાં આવે છે. જો બાળક “ફર્સ્ટ ક્રાય” ન કરે તો તે એક ગંભીર બાબત કહેવાય છે. એક બાળકીનો જન્મ સુરેન્દ્રનગર સીવીલ ખાતે તા. ૧૦-૦૫-૨૦૨૧ના રોજ થયો હતો. જન્મ સમયે રડી ન હોવાથી તેને સિવીલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેને ૯ દિવસ સારવાર હેઠળ રાખવામાં આવી હતી. ત્યાર બાદના ૧૦ દિવસ પછી તા. ૨૮-૦૫-૨૦૨૧ના રોજ શરીર પર સોજા, તાવ અને યુરીનની સમસ્યા થતા સુરેન્દ્રનગર સીવીલ ખાતે દાખલ કરાઇ હતી. રીપોર્ટમાં બાળકીની કિડની પર સોજો હતો તથા સિરમ ક્રીએટીન લેવલ ૪.૦૩ ટકા જેટલુ હતું તેથી બાળકને રાજકોટ સિવિલ ખાતે રીફર કરવામાં આવ્યું હતું. વીસ દિવસની એ બાળકી લક્ષ્મીને સુરેન્‍દ્રનગરથી રાજકોટ સિવિલ ખાતે રીફર કરવામાં આવી.

અમારા સિવીલ સર્જન ડો. આર. એસ. ત્રીવેદી તથા પીડીયાટ્રીક વિભાગના હેડ ડો. પંકજ બુચના માર્ગદર્શન હેઠળ તે લક્ષ્મીની સત્વરે સારવાર શરૂ કરવામાં આવી. બાળકીને શ્વાસોચ્છવાસની તકલીફ હોવાથી તેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જે પોઝીટીવ આવ્યો હતો. સારવાર દરમ્યાન ઈન્સ્યુલીન આપ્યા બાદ તેનું સુગર લેવલ ઘટવા લાગ્યું હતું. કિડની પરનો સોજો ઘટ્યો તથા સોડીયમનું લેવલ નોર્મલ થયું અને યુરીનની સમસ્યામાંથી છુટકારો થયો. તેને અપાયેલી હાઈફ્લો નોઝલ કેન્યુલા પરથી હટાવીને લક્ષ્મીને તેની માતાને સોંપવામાં આવી. ત્યારબાદ તેનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા તેને રજા આપવામાં આવી હતી, તેમ ડો. ભલગામિયાએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવીલના પીડીયાટ્રીક વિભાગમાં અત્યાર સુધીમાં કુલ ૧૯૧ જેટલા કોરોના સંક્રમિત બાળકોને સારવાર આપવામાં આવી છે. જેમાં પ્રથમ લહેરમાં ૧૨૮ જેટલા બાળકો તથા બીજી લહેરમાં ૬૩ જેટલા બાળકોને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત, ૧૨ જેટલા બાળકોને MSID- Multi system inflammatory disorder ની સારવાર આપવામાં આવી છે.

Share This Article