પૂર્વ IPS સંજીવ ભટ્ટને કસ્ટોડિયલ ડેથ કેસમાં જામજોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

admin
1 Min Read

પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને 1990ના જોમજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટાકરવામાં આવી છે. જામનગરની સેશન્સ કોર્ટે ભટ્ટને સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. સેશન્સ કોર્ટના જજ ડી એમ વ્યાસે હત્યાના ગુનામાં સંજીવ ભટ્ટ તેમજ હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને પણ આરોપી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી છે. જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં 29 વર્ષ બાદ ચુકાદો જાહેર થયો છે.

સરકારી વકીલ તુષાર ગોકાણીએ જણાવ્યું કે, કોર્ટે સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને દોષિત ઠેરવ્યા છે. એ સિવાયના આરોપીઓને કસ્ટોડિયલ ટોર્ચર માટે કલમ 323, 506 (1) દોષિત ઠેરવ્યા છે.

1990માં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા સમયે કોમી તોફાનોના સંદર્ભે 133 આરોપીઓને પકડી કસ્ટડીમાં બેફામ માર મારવાનો આક્ષેપ થયો હતો. જેમાં એક આરોપી પ્રભુભાઈનું કસ્ટોડિયલ ટોર્ચરના કારણે સારવાર દરમિયાન 18 નવેમ્બર 1990ના રોજ મોત થયું હતું. પ્રભુભાઈના ભાઈ અમૃતભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

સુપ્રીમ કોર્ટે કસ્ટોડિયલ ડેથ કેસમાં 20 જૂન સુધીમાં આ કેસનો ચુકાદો આપવા નીચલી કોર્ટને આદેશ આપ્યો હોવાથી જામનગર સેશન્સ કોર્ટે આજરોજ સજા સંભળાવતો ચુકાદો આપ્યો હતો. મૃતકના ભાઈ અમૃતભાઈએ સંજીવ ભટ્ટ તેમજ છ પોલીસ અધિકારીઓ પર કસ્ટડીમાં માર મારવાથી તેમના ભાઈ પ્રભુભાઈનું મોત થયું હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

Share This Article