સુરત : મેયર, ડે. મેયર અને શાસક પક્ષના નેતાના ફોટો લગાવી ‘આપ’ દ્વારા દૂષિત ખાડીની સફાઈ

admin
2 Min Read

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સતત છેલ્લા ત્રણ દિવસથી ખાડી સાફ કરવામાં આવી રહી છે. આજે તેનો ચોથો દિવસ શરૂ થઈ ગયો છે. કોર્પોરેશનના સત્તાધીશોના પાપે ખાડીની આવી દયનિય સ્થિતિ છે. જેનો શ્રેય પણ શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સમિતિના અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાને આપવો જરૂરી છે. જેથી આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કરતા ત્રણેયના ફોટા ખાડી પાસે લગાવી દીધા છે.ખાડી સાફ કરવાનો ચોથો દિવસ છે. જેમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો-નેતાઓ તમામ કામે લાગ્યા છે.

આમ આદમી પાર્ટી દ્વારા ખાડી સાફ કરવા માટે મશીનરી માગવામાં આવી રહી છે તેમજ કોર્પોરેશનનો જે સ્ટાફ કામ કરતો હોય છે.તે સ્ટાફના કેટલાક માણસોની પણ માંગ કરવામાં આવી છે. પરંતુ શાસક પક્ષ દ્વારા તેમને કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી ન હોવાની વાત આમ આદમી પાર્ટીના નેતા કરી રહ્યા છે. ખાડી અતિશય દુર્ગંધ મારી રહી છે અને દૂષિત પાણીના કારણે આસપાસના લોકો પણ તેનાથી ત્રસ્ત થઈ ગયા છે. વારંવાર સ્થાનિકોની રજૂઆતો છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઇ કામગીરી ન થતાં સ્વાભાવિક રીતે જ રોષ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી પોતાના પક્ષની છબી સુધારવા માટે સતત લોકો વચ્ચે જઇને તેમના પ્રશ્નોને હલ કરવા માટેની શરૂઆત કરી છે. જે પ્રશ્નો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હોય છે તેવા પ્રશ્નોને લઈને તેઓ સત્તા પક્ષને ઊંઘ હરામ કરી રહ્યા છે.

Share This Article